માંડવી: ગતરોજ માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવગઢ ગામના ખાડી ખુલી ફળીયાના રહેવાસી દિનેશભાઈ જયતિભાઈ ચૌધરીનું ખાડીના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ, દેવગઢ ગામમાંથી ખાડી ખુલી ફળીયું તથા લુહારવડ ગામ વચ્ચે પસાર થતી ખાડીમાં, જંગલ ખાતાની નર્સરીના પાછળના ભાગે આ દુર્ઘટના બની, દિનેશભાઈ નામના વ્યક્તિ સાંજે લગભગ 6:30 વાગ્યાના સમયથી ગુમ હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે ગતરોજ સવારના સમયે 10 વાગ્યાના આજુબાજુ ખાડીના પાણીમાં તેમનો મૃતદેહ તરતો હાલતમાં મળી આવ્યો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ જોઈએ તો ખાડીના પાણીમાં પડી જવાથી ડૂબી ગયા હતા. આ ઘટનામાં પોલીસે મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થયેલા જોવા મળ્યા હતા.











