નવસારી: NEET-2026 પરીક્ષાના પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવતાં દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પાણીમાં વળી જતાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને કડક માંગણીઓ કરી છે.
પત્રમાં ડો. ગરાસિયાએ NEET પેપર લીકના દોષીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. સાથે જ ભ્રષ્ટાચાર અને વારંવારની નિષ્ફળતાનું પ્રતીક બનેલી *નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)*ને વિખેરી નાખીને તેની જગ્યાએ નવી, સ્વતંત્ર અને વિશ્વસનીય નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરવાની માંગ કરવામાં આવી છે. ડો. ગરાસિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2021, 2022 અને 2024માં થયેલા પેપર લીક કૌભાંડોમાં આરોપીઓ સામે હજુ સુધી કોઈ કડક સજા ન થતાં અપરાધીઓનું મનોબળ વધ્યું છે અને તેઓ વારંવાર આવી ઘટનાઓ કરવાની હિંમત કરી રહ્યા છે. તેમણે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
આ બાબતે સમાજના અન્ય આગેવાન ડો. નિરવ પટેલએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “એક તરફ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપનાઓ તૂટી રહ્યા છે ત્યારે સરકારે હવે સફાળા જાગવાની જરૂર છે. પરીક્ષા કેન્દ્રો પર જેટલું કડક ચેકિંગ રાખવામાં આવે છે તેટલું જ કડક શિક્ષા પેપર લીક કરનારાઓ માટે હોવી જોઈએ. તો જ આવી ઘટનાઓ અટકી શકે.” NEET-2026ની પરીક્ષા રદ થવાથી ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ પણ NTA વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.











