નવસારી: ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ નવસારી જિલ્લામાં પડેલા અભૂતપૂર્વ વરસાદ અને પૂરને કારણે ગામ ઓરિયામોરા તાલુકો ગણદેવીની ૭૮ વર્ષીય એકલવાયા આદિવાસી વિધવા મહિલા શ્રીમતી કમુબેન કીકાભાઈ નાયકનું કાચું મકાન ભારે નુકસાન પામ્યું છે. હાલમાં તેઓ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં રહેવા મજબૂર છે. વરસાદ પડતાં ઘરમાં પાણી ભરાઈ જાય છે, છતમાંથી પાણી ટપકે છે અને કોઈપણ સમયે મકાન ધરાશાયી થવાની આશંકા છે. આ પરિસ્થિતિમાં તેમનું જીવન જોખમમાં મુકાયું છે.

સૌથી દુઃખદ બાબત એ છે કે કમુબેન વિધવા અને એકલવાયા છે. તેમની સંભાળ લેવા માટે પરિવારનો કોઈ સભ્ય નથી. તેઓ અત્યંત ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે અને પોતાના ખર્ચે મકાન બાંધી શકે તેવી સ્થિતિમાં નથી. સરકારી કાગળકામની કેટલીક વહીવટી બાબતોને કારણે તેમને માનવતાવાદી સહાયથી વંચિત રાખવી યોગ્ય નથી તેવું સામાજિક આગેવાનોનું માનવું છે.

આ બાબત બિલીમોરાના સામાજિક આગેવાન કલ્પના પટેલ અને દિવ્યેશ પટેલના ધ્યાને આવતાં તેમણે સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલને રજૂઆત કરી હતી. ડો. નિરવ પટેલે નવસારી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને માનવતાના ધોરણે તાત્કાલિક સ્થળ તપાસ કરી નુકસાનનો પંચનામો તૈયાર કરવા, મુખ્યમંત્રી રાહતનિધિમાંથી વિશેષ આર્થિક સહાય મંજૂર કરવા, જિલ્લા કલેક્ટરના વિશેષ વિવેકાધીન ફંડમાંથી સહાય આપવા તેમજ સંબંધિત વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને તેમના વિકાસ ફંડ અથવા ઉપલબ્ધ યોજનાઓમાંથી સહાય કરવા વિનંતી કરી છે.

વધુમાં, નવસારી જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોને Corporate Social Responsibility (CSR) હેઠળ આ વૃદ્ધ મહિલા માટે તાત્કાલિક પાકું મકાન બનાવી આપવા સૂચના અને સંકલન કરવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી પાકું મકાન તૈયાર ન થાય ત્યાં સુધી તાત્કાલિક સુરક્ષિત આશ્રય તથા જીવનજરૂરી સહાય પૂરી પાડવાની પણ અપીલ કરવામાં આવી છે.

સામાજિક આગેવાનોનું કહેવું છે કે ૭૮ વર્ષની નિરાધાર આ આદિવાસી વિધવા મહિલા માટે સુરક્ષિત રહેઠાણ માત્ર સરકારી યોજના નહીં, પરંતુ માનવતા, સામાજિક ન્યાય અને બંધારણીય જવાબદારીનો વિષય છે. જો સમયસર સહાય ન મળે તો આગામી વરસાદમાં તેમના જીવનને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આથી કલેક્ટરશ્રી સમક્ષ માંગ છે કે આ મામલાને અત્યંત તાત્કાલિક અને વિશેષ કેસ તરીકે ધ્યાને લઈ જરૂરી તમામ વિભાગો વચ્ચે સંકલન કરી શક્ય તેટલી વહેલી તકે પાકું મકાન બનાવી આપવા હુકમ કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here