સાપુતારા: ગુજરાતના એકમાત્ર રળિયામણા ગિરિમથક સાપુતારા ખાતે ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રી શ્રી જયરામ ગામીત, ધારાસભ્ય વિજય પટેલ તથા સાંસદ ધવલ પટેલ સહિતના અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો.

Decision News એ સ્થળ પર લીધેલી મુલાકાત મુજબ આ મોનસૂન ફેસ્ટિવલમાં ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત કળા અને લોકનૃત્યોની અદ્ભુત ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે સ્થાનિક વાનગીઓ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃત્તિઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે અહીં આવતા સૈલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠેલું સાપુતારાનું કુદરતી સૌંદર્ય અને સાથે સંસ્કૃતિનો આ સમન્વય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. આયોજકો અને મહાનુભાવો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને પોતાના પરિવાર અને મિત્રો સાથે સાપુતારા પધારી આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઉત્સવને માણવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











