જામન્યામાળ (ડાંગ): KVS યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત ‘LAKSH (Season-8)’ સ્પર્ધામાં ઓવરઓલ પ્રથમ ક્રમ (Overall 1st Rank) હાસિલ કરી સમગ્ર ડાંગ જિલ્લાનું નામ રોશન કરનાર ગવર્મેન્ટ સાયન્સ કોલેજના વિદ્યાર્થી રવિ ઠાકરેનું જામન્યામાળ ગામે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાની મુખ્ય વિગતો અને સિદ્ધિ: રાજ્યભરમાંથી આવેલા આશરે ૧૦૦૦ જેટલા સ્પર્ધકો વચ્ચે આ કઠિન સ્પર્ધા યોજાઈ હતી. રવિ ઠાકરેએ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડના દુર્ગમ અને કઠિન ભૌગોલિક પડકારોને સફળતાપૂર્વક પાર કરીને આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે.
ગ્રામજનો અને સંસ્થા દ્વારા સન્માન: આ અદ્ભુત સફળતા બદલ ડાંગ જિલ્લાના જામન્યામાળ ગામ ખાતે ‘સાલોમ ફેલોશીપ ફુલગોસ્પલ’ સંસ્થા અને ગ્રામજનો દ્વારા એક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રવિ ઠાકરેને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આગેવાનો, અગ્રણીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રવિને તેના ઉજ્જવળ ભવિષ્ય અને આગળની કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ તથા આશીર્વાદ પાઠવ્યા હતા.











