ડાંગ: વિશ્વમાં સમગ્ર ગુજરાતની જેમ ગતરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં આવેલી શિવરીમાળ અંધજન શાળામાં આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.એસ. માહલા કેમ્પસ, કૂકડનખીના સંચાલક શ્રી શ્યામ એસ. માહલા, સહ્યાદ્રી ડેવલપમેન્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા મંત્રી નાનુભાઈ માહલા, વિશ્રામભાઈ, આદિવાસી કુકણા-કુનબી સમાજના પ્રમુખ શ્રી કાશીરામ બિરારી સાહેબ, ટ્રસ્ટી ભાવનાબેન, ગીતાબેન, ડૉ. રાઉત ભગુભાઈ સાહેબ સહિત અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ, શિક્ષકગણ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે આગેવાનોએ નાચ-ગાન અને આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું જતન કરવાની સાથે સમાજના બાળકોને શિક્ષણ તરફ આગળ વધારવા અને જીવનમાં નવી દિશા આપવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે એસ.એસ. માહલા કેમ્પસના સંચાલક શ્રી શ્યામ એસ. માહલાએ જણાવ્યું હતું કે, શિવરીમાળ અંધજન શાળાના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજમાં આગળ વધે તે માટે એસ.એસ. માહલા કોલેજ કેમ્પસ, કૂકડનખી દ્વારા આવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ વિનામૂલ્યે આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
સહ્યાદ્રી ડેવલપમેન્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નાનુભાઈ માહલાએ વિદ્યાર્થીઓને ડાંગની જળ, જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજના અતૂટ સંબંધ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરવા સાથે શિક્ષણના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. વધુમાં વિશ્રામભાઈએ શિવરીમાળ અંધજન શાળા સાથે વર્ષોથી જોડાયેલા પોતાના સંબંધો અને લાગણીસભર અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના વિશેષ વિદ્યાર્થીઓ સાથે સાંસ્કૃતિક અને સામાજિક રીતે જોડાઈને તેમને પ્રોત્સાહન આપવું એ સમગ્ર સમાજની જવાબદારી છે.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, શિક્ષણ અને સામાજિક સમાનતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય સંદેશ હતો કે “શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે અને કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીના સપનાઓને પાંખ આપવી એ સમાજની સામૂહિક જવાબદારી છે.”










