મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના એક ખેડૂતનો એક ફોટો સામે આવ્યો છે જે જોઈને દરેકને ખ્યાલ આવશે કે ખેતી કરવી એ સરળ કામ નથી. ડુંગળીના ખેડૂત ભગવાન સાબલેએ પોતાની ડુંગળીની 500 થી 600 બોરીઓ આગ લગાવી દીધી. ખેડૂત સાબલે કહે છે કે બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો માત્ર 1 રૂપિયા હતો, જેના કારણે ડુંગળીનો ખર્ચ વસૂલ કરવો મુશ્કેલ બન્યો. તેમણે અઢી એકરમાં ડુંગળીનો પાક ઉગાડ્યો હતો. તેનો ખર્ચ આશરે 3 થી 4 લાખ રૂપિયા હતો, પરંતુ જ્યારે તેમણે ડુંગળી વેચી ત્યારે ડુંગળીના ભાવ ઘટી ગયા.

બીજી તરફ મે 2026માં, રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો: DAP: ₹150 સુધી/ NPK: ₹850 સુધી/ MOP (પોટાશ): ₹550 સુધી/ અમોનિયમ સલ્ફેટ: ₹300 સુધી વધારો થયો છે.

ખેડૂત ડુંગળી ભલે સળગાવે પણ સરકાર કહે છે કે ખેડૂતની આવક ડબલ કરતા વધી ગઈ છે! NITI આયોગના સભ્ય Ramesh Chand અનુસાર 2014-15થી 2023-24 સુધીમાં ખેડૂતોની આવક 126% વધી છે! કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ લોકસભામાં કહ્યું છે કે ‘આવક ડબલ થઈ છે, કેટલાક કિસ્સામાં ત્રણ-ચાર ગણી પણ વધી છે.’ ખેડૂત સંગઠનો કહે છે કે ખાતર, ડીઝલ, મજૂરીનો ખર્ચ વધ્યો છે, જેનાથી નફો ઘટ્યો છે. ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી છે.

દેશના ખેડૂતો/ શ્રમિકો/ ગરીબો/ મધ્યમ વર્ગ ભલે મુશ્કેલીમાં હોય, પણ વડાપ્રધાનની રેલીઓમાં માનવ મેદની ઊમટી પડે છે, એ પણ ચમત્કાર છે! ગમે તેટલી મોંઘવારી હોય/ બેરોજગારી હોય/ હાડમારી હોય તોપણ મોદીજી એક પછી એક ચૂંટણી જીતતા જાય છે. મોદીજી પાસે એટલી તાકાત એકત્ર થઈ ગઈ છે કે તેઓ હવે હારે તેમ નથી, ચૂંટણીપંચ ઘરનું જ છે, હજારો કરોડનું ફંડ છે, મુસ્લિમોનો ડર હિન્દુઓના મનમાં બરાબર ફિટ કરી દીધો છે. મોદીજી હારે તે કોર્પોરેટ મિત્રોને પોસાય તેમ નથી! ખેડૂતોનો ઉદ્ધાર શક્ય નથી કેમકે મોદીજીને કોર્પોરેટ મિત્રોનો ઉદ્ધાર કરવો છે !

BY રમેશ સવાણી [11 મે 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here