નવસારી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેડૂતો તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રી અને સીરામિક ઉદ્યોગને રાહત આપવા ખાતર અને કોમર્શિયલ ગેસ પરની સબસીડી વધારવાની માંગ કરવામાં આવી છે. નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ તેમજ છાંયડો હોસ્પિટલ, ખેરગામના યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને આ રજૂઆત કરી છે.
પત્રમાં ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ, કરા, કાળઝાળ ગરમી અને ઔદ્યોગિકરણની આંધળી દોડમાં વન્યસંપત્તિના નાશ જેવા પરિબળોએ ખેડૂતોની હાલતને બદતર બનાવી દીધી છે. આ સ્થિતિમાં ખાતર અને રાંધણ તેમજ કોમર્શિયલ ગેસના અસહ્ય ભાવવધારાએ ખેડૂતો અને ઉદ્યોગોની કમર તોડી નાખી છે. ભાવવધારાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. જો ખેતી ખોટમાં જશે તો આદિવાસી ખેડૂતો સહિત ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ સ્થળાંતર વધશે, જે ગ્રામીણ અર્થતંત્ર માટે ઘાતક સાબિત થશે.
મુખ્ય માંગણીઓ:
1 સરકાર ખાતર કંપનીઓને આપતી સબસીડી સીધી ખેડૂતોના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે, જેથી વચેટિયાઓનો ફાયદો અટકે.
2 કોમર્શિયલ ગેસ પર પણ સબસીડી વધારીને ફૂડ ઇન્ડસ્ટ્રી તેમજ ગેસ પર આધારિત સીરામિક ઉદ્યોગોને ટકાવી રાખવા.
3 ખાતર અને ગેસના ભાવ વધારા પ્રમાણે ખેતપેદાશોના *Minimum Support Price (MSP)*માં પણ ઇનપુટ કોસ્ટને અનુરૂપ વધારો કરવામાં આવે.
ડો. નિરવ પટેલે સરકારને ઘરના વડીલની જેમ ઉદ્યોગો અને ખેડૂતોની મુશ્કેલીઓ સમજીને તાત્કાલિક રાહત પગલાં લેવાની અપીલ કરી છે. આ માંગ સાથે આદિવાસી સમાજે રાજ્ય સરકારનું ધ્યાન ખેંચ્યું છે અને આ અંગે વહેલી તકે કાર્યવાહીની અપેક્ષા રાખી છે.











