ખેરગામ: આજરોજ ખેરગામના તાલુકાના સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજયકક્ષાનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાત તરફથી હસ્તકલા ક્ષેત્રે આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે.
વારલી ચિત્રકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્વાતિબેને નવસારી જિલ્લાને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ વારલી પેઇન્ટિંગની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ ભીત ચિત્રએ વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ હોવાની સાથે નોંધનીય બાબત એ છે કે આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે.
ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ચિત્રના કેન્દ્રમાં આદિવાસી સમાજની કુળદેવીનું ચિત્ર દોરવામાં આવ્યું છે.આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને ખેરગામની છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આધુનિકીકરણની આંધળી દોડમાં એક સમય હતો જયારે આદિવાસી સંસ્કૃતિની ઘણી બધી કલાકૃતિઓ વિલુપ્ત થવાને આરે હતી ત્યારે સમાજના વડીલોએ ભારે જહેમત ઉઠાવી સંસ્કૃતિ જાળવી રાખવામાં મહત્વનો ફાળો ભજવેલ તેમાં સ્વતીબેન જેવા ઉત્કૃષ્ટ કલાકારોને આદિવાસી સમાજનું નામ રાજ્યકક્ષાએ રોશન કરવા બદલ અભિનંદન આપવા ઘટે.











