દક્ષિણ ગુજરાત: વારલી આદિવાસી સમુદાયની સદીઓ જૂની લોકકલા આજે પણ માનવ અને પ્રકૃતિ વચ્ચેના અખંડ સંબંધને સુંદર રીતે વ્યક્ત કરે છે. આ કલામાં કેન્દ્રસ્થાને હોય છે ‘ચોખ’ (Chokh) ચિત્ર, જેમાં પાલઘાટ દેવીનું પવિત્ર સ્વરૂપ આલેખવામાં આવે છે. આ ચિત્ર ખાસ કરીને લગ્ન પ્રસંગે ઘરની ભીત પર દોરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.
પાલઘાટ દેવીને આદિવાસી સમાજમાં મુખ્ય કુલદેવી અને માતૃશક્તિ તરીકે પૂજવામાં આવે છે. તેઓ ઉર્વરતા, પ્રકૃતિ અને સર્જનની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. આદિવાસીઓની માન્યતા અનુસાર, ધરતી માતા જ પાલઘાટ દેવી છે. ખેતી, વરસાદ, પાક અને સંતાનની વૃદ્ધિ એ બધું તેમની કૃપા છે. ‘પાલઘાટ’ શબ્દ પણ ઊંડો અર્થ ધરાવે છે – ‘પાલ’ એટલે પોષણ અને ‘ઘાટ’ એટલે સ્થાન અથવા ધરતી, અર્થાત્ જે જીવનને પોષણ આપે તે પાલઘાટ દેવી.
પરંપરાગત રીતે આ ચિત્ર વિવાહિત સ્ત્રીઓ જ દોરે છે, કારણ કે સ્ત્રીને સર્જનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વારલી ચિત્રકળામાં દેવીને ભવ્ય માનવીય સ્વરૂપમાં નહીં, પરંતુ સરળ જ્યોમેટ્રિક આકારોમાં દર્શાવવામાં આવે છે. આ કલા દેવીને વ્યક્તિ નહીં, પરંતુ શક્તિ અને તત્વ તરીકે જુએ છે.
ચિત્રના મુખ્ય તત્વો અને તેમનું પ્રતીકાત્મક મહત્વ: વર્તુળ: જીવનનો સતત પ્રવાહ અને અનંતતા, ત્રિકોણ: સ્ત્રી અને પુરુષ શક્તિનું સંયોજન, નૃત્ય અને સંગીત: સમુદાયની એકતા અને આનંદ, માનવ આકૃતિઓ, પશુઓ, વૃક્ષો, સૂર્ય: દૈનિક જીવન, કૃષિ અને ઉત્સવો દર્શાવે છે. ચોખ ચિત્રની આસપાસ આ બધા તત્વો જીવનચક્રનું સુંદર ચિત્રણ કરે છે. વારલી કલા સ્પષ્ટ સંદેશ આપે છે કે માનવ કુદરતનો માલિક નથી, પરંતુ તેનો એક અવિભાજ્ય ભાગ છે. આ કલા માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલન અને સંવાદનું પ્રતીક છે.
આજના આધુનિક યુગમાં વારલી ચિત્રકળા માત્ર સાંસ્કૃતિક વારસો જ નથી, પરંતુ પર્યાવરણીય સંતુલન અને સમુદાયિક જીવનના મહત્વને પણ યાદ અપાવે છે. આ કલાના માધ્યમથી આદિવાસી સમાજની સમૃદ્ધ વિચારસરણી અને જીવનશૈલી આખા વિશ્વ સુધી પહોંચી રહી છે. વારલીના આ ચિત્રો ફક્ત દીવાલો પર નહીં, પરંતુ આપણા હૃદયમાં પણ જીવન અને પ્રકૃતિના અનુસંધાનની યાદ અપાવતા રહે છે.











