ખારેલ: લોકશાહીમાં જ્યારે મીડિયા અને જાગૃત નાગરિકો સાથે મળીને અવાજ ઉઠાવે છે, ત્યારે તંત્રને નમવું જ પડે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આવેલા અત્યંત જોખમી નવસારી ખારેલ પોઈન્ટ પર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે કરવામાં આવેલી રજૂઆતો આખરે રંગ લાવી છે. Decision News અને ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન તેમજ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડૉ.નિરવ પટેલની સતત રજૂઆત બાદ તંત્ર દ્વારા ખારેલ દિલ્હિમુંબઈ મુંબઈ એક્ઝિટ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર લગાવી દેવામાં આવ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો નવસારી ખારેલ એક્ઝિટ પોઈન્ટ અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો હતો. વાહનોની અનિયંત્રિત ગતિ અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે અહીં અનેક નિર્દોષ લોકોએ જીવ જોખમાઈ રહ્યા હતા આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ Decision News દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત અહેવાલો પ્રસારિત કરી તંત્રની ઊંઘ ઉડાડી હતી. અને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડૉ.નિરવ પટેલે ટેકનિકલ પાસાઓ અને જનહિતને ધ્યાનમાં રાખીને સબંધિત વિભાગોમાં લેખિત અને મૌખિક રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.
તંત્રએ રજૂઆત ગ્રાહ્ય રાખી
જાગૃત મીડિયા અને મક્કમ રજૂઆતના દબાણ હેઠળ, હાઈવે ઓથોરિટી અને તંત્રએ આખરે ખારેલ પોઈન્ટની ગંભીરતા સ્વીકારી હતી. નિષ્ણાતોની સલાહ મુજબ, વાહનોની ગતિ પર નિયંત્રણ મેળવવા માટે વ્યૂહાત્મક રીતે સ્પીડ બ્રેકરો અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.અને આલીપોર હાઇવે અને ચીખલી હાઇવે પર બ્રિજની નીચે પણ ખુબ જ ખરાબ રીતે ખોદાયેલો રોડ હતો તે પણ રીપેરીંગ કરવામાં આવ્યો છે.
આ સફળતા અંગે પ્રતિક્રિયા આપતા ડૉ. નીરવ પટેલે જણાવ્યું હતું કે, “અમારો હેતુ માત્ર રજૂઆત કરવાનો જ નહીં, પણ લોકોના જીવ બચાવવાનો હતો. Decision Newsના સહયોગથી આજે આ પોઈન્ટ સુરક્ષિત બન્યો છે તેનો આનંદ છે.” આ સ્પીડ બ્રેકર મુકાતા હવે સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતા ચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.











