ખેડા: ખેડા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક 17 વર્ષની સગીરા સામૂહિક દુષ્કર્મનો શિકાર બની છે. મુખ્ય આરોપી સહિત 9 જેટલા નરાધમોએ ભેગા મળીને આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
પ્રેમજાળમાં ફસાવીને અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત 3 વર્ષ સુધી આ હેવાનોએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે ભાંડો ફૂટતા પરિવારજનોએ હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું છે.
Decision News ને ઘટનાની મળેલી જાણકારી પ્રમાણે, આજથી 3 વર્ષ પહેલાં પરવેઝ પઠાણ નામના મુખ્ય આરોપીએ આ 17 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેણે સગીરાના કેટલાક અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને પરવેઝ વારંવાર સગીરા સાથે દુષ્કર્મ કરતો.. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી પરવેઝ પઠાણે પોતાના 8 મિત્રોને પણ આ કુકર્મમાં સમાવેશ કર્યાં હતા. આ તમામ આરોપીઓએ ભેગા મળીને સતત 3 વર્ષ સુધી સગીરાને પીંખી હતી. આખરે સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ થઈ બાદમાં પરિવારજનોએ હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ પાસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીના સમયમાં જ મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફિક પઠાણ, અયાન પઠાણ, મોઈન પઠાણ, મારૂફ પઠાણ અને સલમાન પઠાણ એમ કુલ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે સાહિલ પઠાણ નામનો એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા બધા જ નરાધમોના હાથમાં કાયદાના દોરડા બાંધીને પોલીસ દ્વારા ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.











