ઉમરગામ/અંબાજી: આદિવાસી સમાજના બંધારણીય હક્કો, જળ-જંગલ-જમીનના અધિકારો, ન્યાય અને સ્વાભિમાનના જતન અર્થે એક વિશાળ ‘આદિવાસી ન્યાય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમની ગેરહાજરી વચ્ચે સમાજની એકતાનો મજબૂત સંદેશ આપવા માટે આ યાત્રા યોજાઈ રહી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ ન્યાય યાત્રાનું વિશેષ આકર્ષણ અને નેતૃત્વ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાનાં ધર્મપત્ની શ્રીમતી શકુંતલાબેન વસાવા અને શ્રીમતી વર્ષાબેન વસાવા સંભાળી રહ્યા છે. નારી શક્તિના આગેવાની હેઠળ યોજાનારી આ યાત્રા આદિવાસી સમાજની શક્તિ, સંઘર્ષ અને અન્યાય સામેના દ્રઢ સંકલ્પનું પ્રતીક બની રહેશે. યાત્રાનો રૂટ અને કાર્યક્રમ: પ્રારંભ અને માર્ગ: આ યાત્રા દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તાર ઉમરગામથી શરૂ થઈને ઉત્તર ગુજરાતના અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટાને આવરી લેશે. સમયગાળો: યાત્રા 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન વિવિધ ગામો અને વિસ્તારોમાં ફરીને લોકજાગૃતિ ફેલાવશે. મહાસભા: યાત્રાના સમાપન બાદ 4 નવેમ્બરના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે એક વિશાળ ‘મહાસભા’ યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે.

આદિવાસી સમાજને જોડાવા હાકલ

યાત્રાના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ માત્ર એક રાજકીય કે સામાજિક યાત્રા નથી, પરંતુ આદિવાસી સમાજના અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ છે. સમાજમાં એકતા સુદ્રઢ કરવા અને ન્યાયી હક્કો મેળવવા માટે આદિવાસી સમાજના તમામ વર્ગો, યુવાનો અને અગ્રણીઓને આ ન્યાય યાત્રામાં જોડાવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here