મોરબી: વાહનોમાં કંપની ફિટિંગ સિવાય બહારથી ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી અતિ તેજસ્વી સફેદ LED લાઈટોના કારણે રાત્રિના સમયે માર્ગ અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. આ ગંભીર જનહિતના પ્રશ્ને ગાંધીનગર સ્થિત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા મોરબી સહિત રાજ્યભરની તમામ RTO કચેરીઓને સઘન ઝુંબેશ ચલાવી કડક દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

અકસ્માતનું વધતું જોખમ: હાઈવે અને શહેરી રસ્તાઓ પર અનેક વાહનચાલકો દ્વારા નિયમોનો ભંગ કરીને વાહનોમાં વધુ પાવરની એક્સ્ટ્રા સફેદ LED લાઈટો ફિટ કરાવવામાં આવે છે. રાત્રિના સમયે આ લાઈટોના અતિ તીવ્ર પ્રકાશને કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે, જેના પરિણામે તેઓ રસ્તા પરનું નિયંત્રણ ગુમાવે છે અને ગંભીર અકસ્માતો સર્જાય છે.

વાહન વ્યવહાર કમિશનર કચેરીના આ આદેશ બાદ હવે મોરબી સહિત રાજ્યભરનું RTO તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નિયમ વિરુદ્ધ લાઈટો લગાવનાર વાહનચાલકો સામે મેમો ફટકારવા, સ્થળ પર જ લાઈટો ઉતરાવવા અને દંડ વસૂલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, આ આદેશ માત્ર કાગળ પર ન રહેતા ગ્રાઉન્ડ લેવલ પર તેનો ઝડપી, નિષ્પક્ષ અને અસરકારક અમલ થાય તેવી પ્રબળ લોકઅપેક્ષા સેવાઈ રહી છે, જેથી રાત્રિ મુસાફરી વધુ સુરક્ષિત બની શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here