AI ફોટોગ્રાફ

ધરમપુર: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના ધરમપુર ડિવિઝન હેઠળ આવતા તમામ સબ-ડિવિઝનોમાં સાફ-સફાઈની કામગીરી સંભાળતા ‘ઉમા મેનપાવર’ (Uma Manpower) નામના કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરકારના શ્રમ કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ કરીને સફાઈ કર્મચારીઓને નિયત લઘુતમ વેતન કરતા ઘણો ઓછો પગાર ચૂકવી તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે.

Decisioon News મળતી માહિતી મુજબ, DGVCL ના સબ-ડિવિઝન કચેરીઓમાં દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી. જ્યારે કર્મચારીઓ દ્વારા મોંઘવારી મુજબ અને સરકારી નિયમ પ્રમાણે પગાર વધારવાની માંગ કરવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય જવાબ આપવાને બદલે કર્મચારીઓને સીધી જ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગના આ કર્મચારીઓ રોજગારી છીનવાઈ જવાના ડરથી શોષણ સહન કરવા મજબૂર બન્યા છે.

​નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન: PF અને ESICના લાભો પર પણ સવાલ

સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો અનુસાર: ​1 કોઈપણ કોન્ટ્રાક્ટર સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ વેતન (Minimum Wages) કરતા ઓછો પગાર ચૂકવી શકે નહીં. 2 ​દરેક કર્મચારીને પગાર સ્લીપ આપવી અને બેંક ખાતામાં પૂરો પગાર જમા કરાવવો ફરજિયાત છે. 3 ​કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (PF) અને ESIC જેવા સામાજિક સુરક્ષાના લાભો આપવા કાયદેસર રીતે અનિવાર્ય છે. 4 ​જો બેંક ખાતામાં પૂરો પગાર જમા ન થતો હોય કે પગાર સ્લીપ ન અપાતી હોય, તો તે કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે.

​DGVCL તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં ?

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, શું DGVCLના ઉચ્ચ અધિકારીઓ આ બાબતથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? સરકારી સંસ્થાઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો નિયમ મુજબ વેતન ચૂકવે છે કે કેમ તે જોવાની જવાબદારી મુખ્ય નોકરીદાતા (Principal Employer) તરીકે DGVCLની પણ બને છે. ​હવે જોવાનું એ રહે છે કે DGVCL ના ઉચ્ચ અધિકારીઓ અને શ્રમ વિભાગ આ શોષણખોર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરીને કડક દંડાત્મક કાર્યવાહી કરે છે કે પછી ગરીબ કર્મચારીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here