ગુજરાત: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં જિલ્લા પ્રમાણે પ્રવાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ભાજપ પ્રત્યે જોવા મળી રહેલી નારાજગી દૂર કરવાના ઉદ્દેશથી આ પ્રવાસો થઈ રહ્યા છે. પરંતુ આદિવાસી સમાજમાંથી તીક્ષ્ણ અને સીધા સવાલો ઊઠી રહ્યા છે.

કેવડિયામાં આદિવાસી લોકો સાથે અન્યાય થયો, જમીન હસ્તગત કરાઈ, વળતર અને રોજગારની વાતો અધૂરી રહી ત્યારે આ મંત્રીઓ ક્યાં હતા? અલગ-અલગ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસી કર્મચારીઓનું શોષણ થાય, તેમને નોકરીથી કાઢી મૂકવામાં આવે ત્યારે ભાજપના નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે?

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અત્યંત કથળેલી છે. શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, ઓરડાઓ જર્જરિત છે, બેઝિક સુવિધાઓનો અભાવ છે અને અનેક શાળાઓ બંધ થવાના આરે ઊભી છે. આંગણવાડીઓના પોતાના મકાન નથી — ભાડાના અથવા કાચા મકાનમાં ચાલી રહી છે. આશ્રમશાળાઓ અને હોસ્ટલમાં પણ ગુણવત્તા અને સુરક્ષાના પ્રશ્નો ઊભા છે. ત્યારે આ મંત્રીઓ ક્યાં ખોવાઈ જાય છે?

જંગલ જમીનના મુદ્દે વર્ષોથી આદિવાસી સમાજ રજૂઆત કરી રહ્યો છે. જે જમીન પર પેઢીઓથી ખેતી થાય છે, તેને ફોરેસ્ટ વિભાગ હેરાન કરી ઊભા પાકને નુકસાન પહોંચાડી પ્લાન્ટેશન કરી રહ્યો છે. વન અધિકાર કાયદા (FRA)નો અમલ અધૂરો છે. ન્યાય અપાવવાનો વખત આવે ત્યારે નેતાઓ ક્યાં અદૃશ્ય થઈ જાય છે?

આ ઉપરાંત આરોગ્ય સુવિધાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડૉક્ટર અને સ્ટાફનો અભાવ, દવાઓની અનિયમિતતા અને દૂરના હોસ્પિટલો સુધી પહોંચવાની મુશ્કેલી. રસ્તાઓની હાલત ખરાબ છે, પીવાના પાણીની નિયમિત સપ્લાય નથી અને સ્થાનિક રોજગારના અવસરો ઓછા હોવાથી યુવાનો મોટી સંખ્યામાં સ્થળાંતર કરવા મજબૂર છે. સરકારી યોજનાઓના લાભ સુધી પહોંચવામાં પણ અનેક અવરોધો છે.

આદિવાસી વિસ્તારની સમસ્યાઓ એટલી વિસ્તૃત છે કે લખવા બેસે તો વાંચનાર થાકી જાય. પરંતુ આ વેદના એસી રૂમમાં બેઠા-બેઠા ન દેખાય. આદિવાસી વિસ્તારમાં તેમની જેમ રહીને, રૂબરૂ ફરીને અને તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને જ વાસ્તવિક નિરાકરણ લાવી શકાય.

સવાલ સીધો છે ?

શું આ પ્રવાસ માત્ર વોટ મેળવવાની રાજનીતિ છે ? કે ખરેખર આદિવાસી સમાજના દરેક પ્રશ્નને સાંભળીને તેનું યોગ્ય અને ટકાઉ સમાધાન લાવવામાં આવશે? ગુજરાત સરકારના મંત્રીઓ આદિવાસી વિસ્તારની મુલાકાતે આવે છે ત્યારે માત્ર પ્રજાના ટેક્સના પૈસે પ્રવાસ કરવાને બદલે દરેક સમસ્યા સાંભળે, જવાબદારી લે અને વાસ્તવિક નિરાકરણ લાવે એવી સ્પષ્ટ આશા અને માંગ આદિવાસી સમાજ રાખી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here