ગુજરાત: ટેલિકોમ યુઝર્સ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. હવે તમારા ફોન પર જ્યારે પણ કોઈનો કોલ આવશે, ત્યારે સ્ક્રીન પર માત્ર નંબર નહીં પરંતુ તે વ્યક્તિનું નામ પણ દેખાશે. આ સુવિધા શરૂ થવાથી ફ્રોડ અને ફેક કોલ (સાઇબર ઠગાઈ) ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે.
દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા તમામ ટેલિકોમ ઓપરેટર્સને આગામી 1 નવેમ્બર, 2026થી આ સેવા ફરજિયાતપણે શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.મૂળ નિયમ મુજબ, યુઝરે સિમ કાર્ડ ખરીદતી વખતે જે સત્તાવાર ઓળખપત્ર (ID Proof) આપેલું હશે અને તેમાં જે નામ નોંધાયેલું હશે, બરાબર એ જ નામ સામેવાળા વ્યક્તિના ફોનની સ્ક્રીન પર દેખાશે. આ નવું ફીચર અજાણ્યા નંબરો પરથી આવતા ખોટા કે પરેશાન કરતા કોલથી છુટકારો અપાવવામાં મદદ કરશે.
આ સેવા અંગે સૌથી સારી બાબત એ છે કે યુઝર્સે પોતાના ફોનમાં આ સુવિધા શરૂ કરવા માટે કોઈ અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કે તેને મેન્યુઅલી એક્ટિવેટ કરવાની જરૂર રહેશે નહીં. ટેલિકોમ કંપનીઓ દ્વારા આ સિસ્ટમ સીધી નેટવર્ક સ્તરે લાગુ કરવામાં આવશે, જેથી તમામ મોબાઇલ યુઝર્સ તેનો સીધો લાભ લઈ શકશે.











