દક્ષિણ ગુજરાત: ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા તથા દરેક ગામમાં પુસ્તકાલયની સુવિધા ઊભી કરવાના હેતુથી ‘આદિવાસી શિક્ષણ ગુણવત્તા અને ગ્રામ્ય લાઇબ્રેરી મિશન’ શરૂ કરવા માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ, દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા લખાયેલા આ પત્રમાં અંતરિયાળ વિસ્તારોના બાળકોને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સમકક્ષ તકો પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડો. નિરવ પટેલે રશિયાના ડાગેસ્તાન પ્રદેશના અંતરિયાળ પહાડી વિસ્તારનું એક પ્રેરણાદાયી ઉદાહરણ ટાંક્યું હતું. તેમણે જણાવ્યું કે, ત્યાં માત્ર 3 વિદ્યાર્થીઓ માટે છેલ્લા 9 વર્ષથી રોજ 14 કિલોમીટર પગપાળા ચાલીને શિક્ષણ આપતા 45 વર્ષીય શિક્ષિકા ખાદીજત માગોમેદોવા દર્શાવે છે કે ભૌગોલિક મુશ્કેલીઓ હોવા છતાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવી અનિવાર્ય છે. ગુજરાતના ડુંગરાળ, જંગલ અને અંતરિયાળ આદિવાસી ગામો-ફળિયાઓમાં આજે પણ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

રજૂઆતમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ: સ્થળ નિરીક્ષણ અને સર્વે: શિક્ષણ મંત્રી દ્વારા ધરમપુર, કપરાડા, ડાંગ, વાંસદા, મહુવા, નિઝર, ડોલવણ, સાગબારા અને ડેડીયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવામાં આવે. શૈક્ષણિક મૂલ્યાંકન: દરેક ગામ અને ફળિયાવાર શાળાઓની સ્થિતિ, શિક્ષકોની ખાલી જગ્યાઓ, એકલ શિક્ષક ધરાવતી શાળાઓ તથા ધોરણ 3, 5, 8 અને 10ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી ડ્રોપઆઉટના કારણો શોધવામાં આવે. શિક્ષકોની ભરતી: ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરીને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોના નિષ્ણાત શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે તેમજ સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને પ્રાથમિકતા આપવાની શક્યતા તપાસાય. ગ્રામ્ય અને ડિજિટલ લાઇબ્રેરી: પંચાયત ભવન કે સરકારી મકાનોમાં પુસ્તકાલયો શરૂ કરી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષા મટીરીયલ ઉપલબ્ધ કરાવાય તેમજ તબક્કાવાર ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન: બોર્ડ પરીક્ષાઓ માટે ખાસ વર્ગો તેમજ NEET, JEE, GUJCET, GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે માર્ગદર્શન કેન્દ્રો અને સ્માર્ટ ક્લાસની સુવિધા વધારવામાં આવે. હોસ્ટેલ અને પરિવહન: અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખાસ કરીને કન્યાઓ માટે સુરક્ષિત હોસ્ટેલ અને શાળા પરિવહનની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે. રાજ્યસ્તરીય સમિતિ: મિશનના સફળ અમલીકરણ માટે રાજ્યસ્તરીય સમિતિની રચના કરી દર છ મહિને પ્રગતિ અહેવાલ જાહેર કરવામાં આવે.

આદિવાસી વિસ્તારના બાળકોમાં અદભુત પ્રતિભા રહેલી છે. માત્ર ભૌગોલિક પરિસ્થિતિ, ગરીબી કે સુવિધાઓના અભાવે કોઈપણ બાળક પોતાના સપનાઓથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આથી, સરકારે આ બાબતે સકારાત્મક અને સમયબદ્ધ પગલાં લેવા જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here