અમદાવાદ: ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સામે અવાજ ઉઠાવતા નાગરિકો અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો માટે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ કાનૂની સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જાહેર સ્થળે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ કે પોલીસ અધિકારીઓની કામગીરીનું વિડિયો શૂટિંગ કરવું અથવા લાઈવ રેકોર્ડિંગ કરવું એ કાયદાની નજરમાં કોઈ ગુનો કે અડચણ નથી.
શું હતો સમગ્ર મામલો ? સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ટ્રાફિક અને પોલીસ જવાનો દ્વારા થતી ગેરકાયદેસર ઉઘરાણી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું. પોલીસની મિલીભગત અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાથી રોષે ભરાયેલી પોલીસે બદલાની ભાવનાથી પ્રેરાઈને એડવોકેટ સામે જ સરકારી ફરજમાં રૂબાવટ, હુમલો અને ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ વળતી ખોટી એફ.આઈ.આર. (FIR) નોંધી દીધી હતી. આ ખોટી પોલીસ ફરિયાદને રદ કરાવવા માટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
હાઈકોર્ટની લાલઆંખ અને કડક નોંધ: ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન પોલીસ તંત્રના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સત્તાના દુરુપયોગને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. કોર્ટે ચુકાદામાં નીચે મુજબના મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે:
-
રેકોર્ડિંગ ગુનાહિત અડચણ નથી: જાહેર રસ્તાઓ પર કે સાર્વજનિક સ્થળોએ ફરજ બજાવતા સરકારી અધિકારીઓનો વિડિયો ઉતારવો કે સોશિયલ મીડિયા પર લાઈવ કરવું એ તેમની ફરજમાં કાયદેસરની રુકાવટ કે ગુનાહિત અડચણ ગણી શકાય નહીં.
-
ખોટી કલમોનો દુરુપયોગ અસ્વીકાર્ય: કોર્ટે નોંધ્યું કે પોલીસે પોતાની ખામીઓ છુપાવવા અને ભ્રષ્ટાચાર સામે અવાજ દબાવવા માટે બદલાની ભાવનાથી આ ગંભીર કલમોનો દુરુપયોગ કર્યો છે, જે દબાણ ઊભું કરવાનો હીન પ્રયાસ છે.
-
ખંડણીનો આક્ષેપ હાસ્યાસ્પદ: અદાલતે તર્ક આપતા જણાવ્યું કે કોઈ વ્યક્તિ જાહેરમાં હજારો-લાખો લોકો સમક્ષ ફેસબુક લાઈવ ચાલુ રાખીને પોલીસ અધિકારીઓ પાસે લાંચ કે ખંડણી માંગે તે વાત તાર્કિક રીતે અસંભવ અને હાસ્યાસ્પદ છે. વિડિયોમાં માત્ર મોબાઈલ પકડી રાખવામાં આવ્યો હતો અને કોઈ શારીરિક બળ કે હુમલો કરવામાં આવ્યો ન હતો.
નાગરિકોને મળ્યું મોટું કાનૂની બળ હાઈકોર્ટના આ કડક વલણ અને સ્પષ્ટ ચુકાદાથી હવે એ સાબિત થઈ ગયું છે કે દેશના જાગૃત નાગરિકો પુરાવા તરીકે વીડિયો બનાવીને ભ્રષ્ટાચાર સામે નીડરતાથી અવાજ ઉઠાવી શકે છે અને તેમને કાયદાનું સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત છે.











