અમદાવાદ: ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં અચાનક વધેલા આકરા તાપ અને બફારાને કારણે રાજ્યમાં વીજળીની અણધારી કટોકટી સર્જાઈ છે. રાજ્યમાં વીજ વપરાશનો ઇતિહાસ તોડતા ગત 16 ઓક્ટોબરે અત્યાર સુધીની સર્વોચ્ચ 29,822 મેગાવોટ (MW) ની વીજ માગ નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 36.6% વધુ છે. આ અસાધારણ વધારાને કારણે રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે.
સરકાર કહેવા મુજબ વીજ સંકટના કારણો: રાજ્યમાં વીજળીની ઓલ-ટાઈમ હાઈ 29,822 MW માગ પહોંચી છે, જે સરકાર અને વીજ તંત્ર માટે મોટો પડકાર બની છે. અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે ઓક્ટોબર માસમાં અચાનક તાપમાન વધી જવાથી એસી અને પંખા જેવા ઉપકરણોનો વપરાશ (કૂલિંગ લોડ) નોંધપાત્ર રીતે વધી ગયો છે. પાકને બચાવવા માટે માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ દૈનિક આશરે 12,000 મેગાવોટ જેટલો મોટો વીજ લોડ નોંધાઈ રહ્યો છે. ઓછો વરસાદ અને નબળા ચોમાસાને કારણે હાઇડ્રો પાવરનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે પવનની ગતિ ધીમી પડતાં વિન્ડ એનર્જીનું ઉત્પાદન પણ પ્રભાવિત થયું છે.
નાગરિકોને અપીલ: ગંભીર બનતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રી દ્વારા તમામ વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. કેન્દ્ર સરકાર પાસેથી વધારાનો કોલસો અને વીજળી મેળવવા માટે પણ દિલ્હી સ્તરે પેરવી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વીજ પુરવઠો જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સાંજે 5થી રાત્રે 11 વાગ્યા સુધીના પીક-અવર્સ (Peak Hours) દરમિયાન વીજ વપરાશ ઘટાડવા ખાસ અપીલ કરવામાં આવી છે.











