ધરમપુર: ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આજરોજ કરંજવેરીથી વડપાડા સુધીના માર્ગ માટે કરવામાં આવી રહેલા જમીન સંપાદન સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ જમીન સંપાદનની કામગીરી સામે કરંજવેરી, મોટીઢોલ ડુંગરી, ખટાણા, રાજપુર તલાટ અને વીરવલ ગામના ખેડૂતોએ એકત્ર થઈને નાયબ કાર્યપાલક ઈજનેરને સામુહિક વાંધા અરજી રજૂ કરી હતી.

સ્થાનિક આગેવાન કલ્પેશ પટેલે મીડિયા અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ જમીન સંપાદન યોજનાને કારણે અનેક ગરીબ અને સામાન્ય ખેડૂતોના ઘરો તેમજ રોજીરોટી આપતી દુકાનો કાચી-પાકી રીતે વિસ્થાપિત થઈ જશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારના મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા પડશે, જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણને અકલ્પનીય નુકસાન પહોંચશે. આથી જ ખેડૂતો આ સંપાદનનો સખત વિરોધ કરી રહ્યા છે.

આ સામુહિક વાંધા રજૂઆતના કાર્યક્રમમાં પાંચેય અસરગ્રસ્ત ગામોના સરપંચશ્રીઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. તમામ ગ્રામજનોએ એકસુરે વિરોધ નોંધાવીને ખેડૂતોના હિત અને પર્યાવરણની રક્ષા માટે આ સંપાદન નીતિ પર પુનઃવિચારણા કરવા તથા યોગ્ય ઉકેલ લાવવા માટે તંત્રને તાકીદ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અને વાંધાઓ ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here