વલસાડ: ખેરગામના ૫ વર્ષના નિદિવ નિરવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ચિત્રકામ વિષયમાં રાષ્ટ્રીય કક્ષાએ અસાધારણ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને પોતાની શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.
વલસાડની સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલની મધર કલારા કીંડરગાર્ટન શાખામાં અભ્યાસ કરતા નિદિવે આ સ્પર્ધામાં ચિત્રકામના માધ્યમથી પોતાની કલાત્મક પ્રતિભા દેખાડી અને સમગ્ર દેશમાંથી આવેલા હજારો બાળકોમાં ટોપ પર સ્થાન મેળવ્યું.
નિદિવના પિતા પ્રખ્યાત સર્જન અને યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલ તથા વલસાડના અબ્રામા ખાતે છાંયડો પેથોલોજી લેબોરેટરીના સંચાલક ડો. દિવ્યાંગી પટેલના આ પુત્રની આ સિદ્ધિ પર પરિવારમાં ખુશીનો માહોલ છે. ડો. નિરવ પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, મને આ ગોલ્ડ મેડલ જીતવામાં ૨૮ વર્ષ લાગ્યા હતા, જ્યારે મારા દીકરાએ માત્ર ૫ વર્ષની ઉંમરે જ આ સિદ્ધિ હાંસલ કરીને અમારી છાતી ગજવી દીધી છે. આ અમારા માટે ગર્વની વાત છે.”
આ સિદ્ધિ માટે નિદિવના ચિત્રકામ શિક્ષિકા દીપ્તિબેન સોલંકી તેમજ શાળાની અન્ય શિક્ષિકાઓ સંગીતા ડી’સિલ્વા સિસ્ટર, સુપ્રીયા ટીચર, જ્યોતિ ટીચર, સીમા ટીચર, આશિયા ટીચર, રિયા ટીચર સહિત તમામ ગુરુજનોનો પણ પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. નિદિવની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ નાની ઉંમરે કલાના ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો માટે પ્રેરણારૂપ બની રહેશે.











