ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને સતત આવેલી રેલના કારણે શિંગળવેરી તેમજ ડુગારપાડા ફળિયાના રસ્તાઓનું ધોવાણ થયું હતું. રસ્તા બિસ્માર બની જતાં સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ sઆ બાબતે તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોની મુશ્કેલી વહેલી તકે દૂર થાય તે માટે આજે ગામના સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી સાથે રૂબરૂ સ્થળ પર ઉપસ્થિત રહી પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્વરિત ધોરણે રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરાવાઈ હતી.
આ તકે સરપંચ વલ્લભભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “જનતાની સેવા, સમસ્યાઓનો ઝડપી અને સચોટ ઉકેલ લાવવો તથા ગામના સર્વાંગી વિકાસ માટે અમે હંમેશાં પ્રતિબદ્ધ છીએ.” સમારકામની કામગીરી શરૂ થતાં જ શિંગળવેરી અને ડુગારપાડા ફળિયાના ગ્રામજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે.











