ધરમપુર: ધરમપુરના અંતરિયાળ વિસ્તારના નાની કોસબાડી અને મોટી કોસબાડી વચ્ચેથી પસાર થતી નાર નદી પરનો નીચો કોઝવે ડૂબાણમાં જતા પશુપાલકો સહિત લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડૂબાઉ કોઝવેને લઈ દૂધ કલેકશનના વાહનની અવરજવર અટકી જતા દૂધ ભરવા લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવતી હોવાની માહિતી સ્થાનિક પાસેથી મળી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વધુ પાણી આવી જતા નુકસાન વેઠી લોકો પસાર થવાનું ટાળે છે. જેને લઈ અહીં મેજર બ્રિજની માગ બળવત્તર બની છે. આ બંને ગામો વચ્ચેના નીચા કોઝવેને લઈ સવાર-સાંજ 900 લીટર દૂધ ભરતા નાની કોસબાડીના 70 પશુપાલકોને ભારે હાલાકી ઉઠાવવી પડતી હોય છે.

આ ઉપરાંત અહીંથી મોટી કોસબાડી, ઉલસપિંડી, પંગારબારી,પિંડવળ થઈ ધરમપુર તરફ અવરજવર કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, હોસ્પિટલ તથા અન્ય કામ અર્થે જતા વાંઝલટ, પોંઢાજંગલ, નાની કોસબાડીના ગ્રામજનોને ડૂબાઉ કોઝવેને લઈ હેદરી, પેણધા, તામછડી, ધામણી થઈ ધરમપુર અવરજવર કરવા લાંબો ચકરાવો લેવાની પડતી ફરજને લઈ નાણાં અને સમય બગડતા હોય છે. મહત્વના આ નીચા કોઝવેના સ્થાને મેજર બ્રીજની માગ વર્ષોથી ઉઠતી આવી છે.