વાપી: ચોમાસામાં પણ આગની ઘટના બનાવાનો કિસ્સો સામે આવ્યો છે. વાપી GIDC ચાર રસ્તા પાસેથી સેલવાસ તરફ જતી BMW કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કાર ચાલકે તરત જ રોડ વચ્ચે કાર ઊભી રાખી અને કારમાંથી બહાર નીકળી ગયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર ચાલકના કારમાંથી નીકળ્યાના થોડી જ સેકંડોમાં કારમાં આગ ભભૂકી ઊઠી હતી. ચાલકની સમયસૂચકતાને કારણે તેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક તપાસમાં કારના વાયરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ઘટના સમયે વાપી GIDC ચાર રસ્તા પાસે હાજર પોલીસ જવાનો અને સ્થાનિક લોકો તુરંત જ કાર ચાલકની મદદે દોડી આવ્યા. તેમણે તાત્કાલિક GIDC ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.











