ડેડીયાપાડા: આદિવાસી લોકપ્રિય ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે નામદાર હાઇકોર્ટ દ્વારા આ પ્રતિબંધ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પર સ્ટે આવતાની સાથે ચૈતરભાઈ વસાવા પોતાની વિધાનસભા ડેડીયાપાડા ખાતે જવા રવાના થયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા પહોંચવાની સાથે જ ચૈતરભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાને ફુલહાર કર્યા હતાં. આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી હતી કે, નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર રાજપીપળા કોર્ટ દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી હતી, પરંતુ આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મારી અરજી સ્વીકારવામાં આવી છે અને મારા મત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

ચૈતર વસાવાએ Decision News ને જણાવ્યું કે હું આજે મારા મતવિસ્તારમાં આવીને મારા લોકો અને મારા પરિવાર વચ્ચે આવીને ખૂબ જ ખુશી અનુભવું છું. છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા મત વિસ્તારમાં આવી નથી શક્યો તે માટે હું જનતાની માફી માગું છું. પરંતુ આજે સત્યની જીત થઈ છે માટે આજે હું ફરી એકવાર મારી જનતાની વચ્ચે આવ્યો છું. આજે ફરી એકવાર સાબિત થઈ ગયું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. હું આવનારી લોકસભા ચૂંટણીનો ઉમેદવાર પણ છું માટે હું લોકો તરફથી પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું.

હું ડેડીયાપાડાના લોકોના દીકરા સમાન છું અને સમગ્ર વિધાનસભાના લોકો મારા પરિવાર સમાન છે. આવનારા દિવસમાં એક દીકરાના રૂપે હું તમામ લોકોને મળવાનો પ્રયત્ન કરીશ. હાલ સમય ઓછો છે, પરંતુ અમે વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આવનારી લોકસભા ચૂંટણીને જો ધ્યાનમાં રાખીએ, તો સમગ્ર ડેડીયાપાડાના લોકો આજે મારી સાથે છે. અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે. માતાજીની માનતા હતી તે અનુસાર આવતીકાલે સવારે 6 વાગે હું માતાજીના દર્શન કરવા જઈશ. ત્યારબાદ સવારે 8:00 વાગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરીશું. આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here