રાજપીપલા: લોકસભાની સામાન્ય ચૂંટણીને પગલે નર્મદા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા તકેદારીના પગલાંને પરિણામે અત્યાર સુધીમાં ૪૬૫૫ વ્યક્તિ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે એ જણાવ્યું કે મતદારો કોઇ પણ ભય વિના પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી શકે એ માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં લઇ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની ઘોષણા સાથે અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાને પગલે કાર્યરત નર્મદા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. હથિયારબંધી અમલમાં મૂકાયા બાદ અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૭૬ હથિયારો તેના પરવાનેદારો પાસેથી જમા લેવામાં આવ્યા છે. ચૂંટણી અને તે પૂર્વેના કાર્યક્રમોમાં કોઇ વિખવાદ ના ઉભો કરે એવા હેતુંથી સમગ્ર જિલ્લામાં કુલ ૪૬૫૫ વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તે ઉપરાંત કુલ ૩૪૩ વ્યક્તિને નોન બેઇલેબલ વોરંટની બજવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂ. ૪.૩૫ લાખની કિંમત નો દારૂ પકડી પાડ્યો છે.જિલ્લામાં ૬ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, આંતરરાજ્ય સરહદે ૬ અને આંતર જિલ્લાની ૧૩ મળી કુલ ૧૯ ચેકપોસ્ટ કાર્યરત છે. જે શંકાસ્પદ આવાગમન ઉપર નજર રાખી રહી છે.