આહવા: સહ્યાદ્રિની ગિરિકન્દ્રાઓમાં વસેલા ડાંગ જેવા દુર્ગમ પહાડી પ્રદેશની વિશિષ્ટ ભુપૃષ્ઠની સચોટ અને અધિકૃત જાણકારી મેળવી, આ રળિયામણા પ્રદેશની મુલાકાતે આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો, તેમની ડાંગ જિલ્લાની મુલાકાતને યાદગાર બનાવી શકે તેવા રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોમાં, હવેથી ડાંગ પોલીસ ફોર્સના ચુનંદા જવાનો પણ ‘પોલીસ મિત્ર‘ ની ભૂમિકા સાથે વિશેષ સેવા પ્રદાન કરશે.

સામાન્ય રીતે ચોમાસામાં જ્યારે ડાંગની પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે ત્યારે અહીં પ્રકૃતિના ચાહકો એવા પ્રકૃતિપ્રેમી પર્યટકોના ધાડેધાડા ઉમટી પડે છે. આવા સમયે આ પહાડી ક્ષેત્રમાં ઠેક ઠેકાણે ઘાટ માર્ગોમાં ભૂસ્ખલન થવુ, કે વન વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવા એ સામાન્ય ઘટના બની જતી હોય છે. તો નીચાણવાળા માર્ગો, અને કોઝ વે ઉપર પણ વરસાદી પાણી અને નદીના પુર ફરી વળતા, આવા માર્ગો યાતાયાત માટે બંધ થઈ જતા હોય છે. આવા સમયે કઈ કેટલીયે વાર અહીં આવતા પ્રવાસી પરિવારો અટવાઈ જતા હોય છે. જેથી તેમને સાચી રીતે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ થકી અધિકૃત જાણકારી આપીને જો સાચું દિશા દર્શન કરાવી શકીએ, તો તેમને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત અહીંના અટપટા માર્ગો, ખીણ પ્રદેશ, અને ઢોળાવ તથા ઉતાર ચઢાવ ધરાવતા સર્પાકાર માર્ગો, બ્લેક સ્પોટ, અકસ્માત ઝોન, ટ્રાફિક અને પાર્કિંગને લગતી સમસ્યાઓ જેવા પ્રશ્ને પણ, પર્યટક વાહન ચાલકોને સાચી સમજ આપી શકાય તે આવશ્યક છે. ડાંગ પોલીસે, પ્રવાસીઓની સેવામાં ‘પ્રવાસી મિત્ર‘ ના માધ્યમથી પ્રવાસીઓ માટે ફ્રી એવી એડ ઓન સર્વિસ શરૂ કરીને, તેમને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના વ્યક્ત કરી છે.

નાયબ પોલિસ અધિક્ષક શ્રી સુનિલ પાટિલે કહ્યું હતું કે અંદાજીત પંદરેક લાખ પર્યટકો વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે. ગુજરાત સરકારની પ્રવાસન નીતિ ને ઉત્તેજન આપતા અનેકવિધ પગલાને લીધે પ્રવાસીઓની આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાના પહાડી રસ્તાઓ ખાસ કરીને વાહનચાલકો માટે ભયજનક બની રહે છે. તેથી તેમની પાસે અકસ્માતોની સંભાવનાવાળા વિસ્તારોની સચોટ માહિતી હોવી પણ જરૂરી છે. સામાન્ય રીતે બહારના જિલ્લાઓમાંથી કે રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે, ડાંગ જિલ્લાના મોટાભાગના પ્રવાસન સ્થળોની જાણકારી હોતી નથી. જેથી એવી જાણકારીના અભાવે તેઓ જિલ્લાની પ્રકૃતિ તેમજ સુંદરતાને સુપેરે માણી શકતાં નથી. જો પ્રવાસીઓને જિલ્લાના તમામ સ્થળોની માહિતી આપવામાં આવે, અને ડાંગની ભૌગોલિક સ્થિતિથી અવગત કરાવવામાં આવે, તો પ્રવાસીઓની સંખ્યામાં પણ ચોક્કસ વધારો થઈ શકે તેમ છે.

પ્રવાસન વિકાસને લીધે સ્થાનિક રોજગારી ના અન્ય વિકલ્પો મળી રહે. આ કાર્યમાં જો પોલીસ વિભાગ તરફથી એવા કર્મચારીઓની ફોર્સ બનાવવામાં આવે, કે જે પ્રવાસીઓને ડાંગના તમામ ફરવા લાયક સ્થળોની માહિતી આપવા સાથે, તેમની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરે, તથા પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરી શકે, તો પ્રવાસન ઉદ્યોગ સારી રીતે ખીલી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે પોલીસ વિભાગના ગ્રામ રક્ષક દળના ચુનંદા જવાનોને વિશેષ તાલીમ આપી આ ફોર્સ કાયદો અને વ્યવસ્થાની ફરજ ઉપરાંત પ્રવાસીઓને માર્ગદર્શિત કરી તેમને ‘પ્રવાસી મિત્ર‘ તરીકે વિશેષ ઓળખ આપવાનો ખ્યાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ રજૂ કર્યો છે. જેના પરિપાકરૂપે ‘પ્રવાસી મિત્ર‘ યોજના અમલી બની છે.

આ નિર્ણય હાલ પૂરતો પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તેથી પ્રવાસીઓને તેનો મહત્તમ ફાયદો થઈ શકે તેમ છે. આ તમામ કવાયતનો લાભ ડાંગના પ્રવાસે આવતા પ્રવાસીઓને આગામી દિવસોમાં મળી રહેશે, જેમાં કોઈ બે મત નથી.