નવસારીઃ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બી.આર.ફાર્મ નવસારી ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેહસુલ વિભાગ હસ્તકની સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ સમાજના છેવાડાના વંચિત વર્ગના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં તેમને સ્વમાનભર્યું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં તથા દેશમાં વસતા ગરીબ પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવા સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજના કાર્યરત કરી છે . જેના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડીને નવસારી જિલ્લા
વહિવટીતંત્રએ સાચા અર્થમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞમાં અમુલ્ય યોગદાન આપ્યું છે . જેમાં પ્રત્યેક સમાજના લોકોએ સહભાગી બની દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ કાર્યની જ્યોતને વધુ પ્રજ્વલીત બનાવવી પડશે. વર્તમાન સરકારના જનસેવાના લક્ષ્યાંકમાં હમેશાં છેવાડાના માનવીનું હિત રહેલું છે, તેથી જ સમાજ સુરક્ષાની વિવિધ યોજનાના માધ્યમ દ્વારા છેવાડાના વિસ્તારમાં વસતા વંચિતોને વિવિધ યોજનાઓની સહાય હાથો હાથ પહોંચાડી છે, તેમ જણાવી સાંસદશ્રી સી.આર.પાટીલે ઉપસ્થિત લાભાર્થીઓને તેમને મળેલ લાભને પુરૂષાર્થ જોડીને સ્વાવલંબી બનવા
અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લાકક્ષાના સમાજ સુરક્ષા હેઠળના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળના ૧૪ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી તેમજ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સમાજ સુરક્ષાની વિવિધ યોજના તથા કુપોષણ મુક્ત નવસારી હેઠળ કરેલ કામગીરી અંગેની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ , વાંસદા પ્રયોજના વહીવટદાર સુરેશ આનન્દુ, મદદનીશ કલેકટરશ્રી ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.