વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના માનકુનિયા બારી ફળિયામાં આપણા આદિવાસી સમાજના રીતરિવાજ અને પરંપરા પ્રમાણે સામૂહિક રીતે ગાંવદેવીની પૂજા, હનવત દેવ અને વાઘદેવ તેમજ ડુંગર પર આવેલા અન્ય દેવોની પણ પૂજા ગાવના વડીલો-પૂજારા દ્વારા કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ પૂજા પછી સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. ભોજન આપણા આદિવાસી સમાજની પરંપરાગત રીતરિવાજ મુજબ કરવળાના પાંદડા પર પીરસવામાં આવ્યું હતું. ભોજનના અંતે ગાવના પૂજારા દ્વારા દરેક ને અહીંથી કણી પણ આપવામાં આવી હતી. ગાવદેવીની પૂજા કરવામાં આવી. ગાવમાં ખેતીવાડી, પશુ પાલન-ઢોર-ઢાખર તંદુરસ્ત રહે ,ગામમાં કોઈ બિમારી ના આવે તેમજ ગામનાં બધા જ લોકો હળીમળીને શાંતિથી રહે.

વિશેષમાં આજે માનકુનિયા બારી ફળિયાના લોકોએ સામૂહિક રીતે એવું નક્કી કર્યુ કે હવેથી..

(૧) વરાડ (લગ્ન)માં સાંજે 8:00 વાગ્યા સુધી જ ભોજન સંભારભ ચાલશે. 8:00 વાગ્યા પછી લગ્નમા જમણવાર બંધ કરી દેવામાં આવશે.

(૨) લગ્નમા મામા-મોસાળ ફકત સીધી લીટીના એટલે નવરાના કે નવરીના માતાના જે સગો ભાઈ હોય તેમણે જ લાવવાનુ. વધારાના દુર-દુરના સગા-સંબંધીઓએ લાવવા નહીં. મામા-મોસાળ મરજીયાત રહેશે .લાવવુ હોય તો ઠીક નહીં તો ચાલશે. એ પણ દિવસે જ લઈ આવવાનુ રહેશે. સાંજે 8:00 વાગ્યા સુધીમાં.પાછળથી ભોજનની કોઈ જવાબદારી રહેશે નહીં.

(૩) કણસરી-દયવામા જમવાનું તો રાત્રે જ રહેશે. પરંતુ હવેથી કોઈએ પણ ભાકર-વરન-કોરડેલા (રોટલા-દાળ-શાક) ઝભલા થેલીમાં ભરીને ઘરે લઈ જવાનું નહીં. દયવામા જ જમીને પછી જ ઘરે જવાનું. ટુકમાં હવેથી “ઝભલા સીસ્ટમ” બંધ.

(૫) પાંચોરામા જે નોનવેજ ખવડાવવામા આવે છે. એના પર પણ હવે પછી અંકુશ લગાવવામાં આવશે એવી ચર્ચા થઈ હતી.

આ પ્રસંગે માનકુનિયાના પ્રતિનિધિ બિરારી જયંતિભાઈ, માજી સરપંચ ગાંવિત બાબુભાઈ, માસ્તર ગાંવિત સુરેશભાઈ,બારી ફળિયાના તમામ આગેવાનો, પંચાયત સભ્યો જાદવ મહેશભાઈ, દિપકભાઈ તેમજ ભગત મનકુભાઈ, નાનુભાઈ, લાલજીભાઈ વડીલ તરીકે સોનજેદાદા,જમનાદાદા, મનસુદાદા, શિવલુદાદા તેમજ મનુભાઈ, દિલીપભાઈ, કિશોરભાઈ, રમણભાઈ, ઈન્દુભાઈ, ભંગુભાઈ, ગુલાબભાઈ, રમતાભાઈ, રાયલુભાઈ, રસીકભાઈ, મગનભાઈ, તથા બારી ફળિયાના ત્રણે ત્રણ મહોલ્લા જાદવપાડા, વચલી બારી, ધામોડ બારીના તમામ યુવાનો ,વડીલો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક લોકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક આજના આ ગાવદેવી પુજાના તહેવારમાં ભાગ લીધો હતો. ફળિયાના તમામ ઘરોમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ તો હાજર રહી હતી. આ પ્રસંગે રસોઈમાં ખાસ કરીને ગુલાબભાઈ, દેવરામભાઈ,રસીકભાઈ, બાપુભાઈ, એ ખૂબ જહેમત ઉઠાવી હતી.