રાજપીપલા: નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતી કચેરીઓ જેવી કે જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરનાર વચેટિયા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના દ્વારા જિલ્લા સેવાસદન, જિલ્લા ન્યાય સંકુલ, જિલ્લા પંચાયત કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે તેમની ટોળી આવા નાગરિકો/અરજદારોને ગેરમાર્ગે દોરી, લલચાવી તેમજ વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આવા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ કે ટોળી જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના 100 મીટરના અંદરના વિસ્તારમાં ઉભા રહેવા તથા કચેરીમાં પ્રવેશ કરી શકશે નહી.  આ જાહેરનામાનો અમલ તા.૨૪ ઓક્ટોબરથી ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી કરવાનો રહેશે. જો જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પકડાશે તો શિક્ષાને પાત્ર થશે.