રાજપીપલા: નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવડા, પ્રાયોજના વહીવટદારશ્રી અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં ભાગ ૧-૨ માં અધિકારી/કર્મચારીઓને લગતા પ્રશ્નો તેમજ એકબીજા વિભાગોને સંકલનમાં રહીને જોઈન્ટ વિઝીટ કરીને લોકોને પડતી હાલાકી અંગેના પ્રશ્નો દૂર કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. અને લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવવામાં આવ્યું હતું. અને નિકાલ કરાયેલી કામગીરીની જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અશાંતધારામાં રજૂ કરાયેલી અરજીનો નિકાલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમની રજૂઆત અંગેનો પ્રશ્ન, તડીપાર, હથિયાર પરવાના, જમીન અંગેના પ્રશ્નો, તપાસણી નોંધણી જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી અને પ્રાંત-મામલતદાર કક્ષાએ કરેલી કામગીરી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. ત્રીજી બેઠકમાં જિલ્લામાં ચાઈલ્ડ લેબર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ફિલ્ડ વિઝીટ કરીને આ બાબત ધ્યાને આવે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માર્ગો પરના બ્લેક સ્પોટ દૂર કરવા તેમજ રોડ પર સાઈન બોર્ડ, વૃક્ષ ટ્રીમિંગ, પ્લાન્ટેશન, દ્વિચક્રી વાહનો પર હેલમેટ ચકાસણી, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવે પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા સુચના આપવામાં આવી હતી. અને સ્કૂલવાન તથા કેટલાક યુવાનો રોડ પર સ્પીડમાં બાઈક હંકારે છે, તેનાથી અકસ્માત થવાની સંભાવના હોય તેમને રોડ સેફ્ટી અંગેની સમજ અને દંડ અને લાયસન્સ રદ અંગેની કાયદાકીય કાર્યવાહી અંગે જાગૃતતા લાવવા પર ભાર મુકાયો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.