વાપી: પત્રકારત્વ ક્ષેત્રમાં કલંક લગાડતાં વાપીના લેભાગુ 20 દિવસોથી નાસતા ફરતાં ત્રણ આરોપી પત્રકારોમાંથી વાપી ટાઉન પોલીસે સોનીયા ચૌહાણ અને સેમ શર્માની બુધવારે ધરપકડ કરી ગુરૂવારે વાપી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડોકટર પાસેથી રૂપિયા લેતી વખતે જે આરોપી સોનીયાએ અમારી સાથે અન્ય 12 લોકો પણ છે તેમ કહ્યું હતું તેને લઈને પોલીસે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ વૈષ્ણવ, સભ્ય ઇકરામ શેખ અને સભ્ય કિન્નર દેસાઇની બુધવારે રાત્રે ધરપકડ કરી ગુરૂવારે કોર્ટમાં રજૂ કર્યા હતા પણ હાલમાં આ ત્રણેયની અરજી કોર્ટે સ્વીકારી જામીન પર મુક્ત છોડયા છે.

એવું જાણવા મળ્યું છે કે ટાઉન પોલીસે સાંજે 5 વાગે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જગદીશ અને સભ્ય ઇકરામ તથા કિન્નર દેસાઇને નિવેદન આપવા બોલાવ્યા હતા અને રાત્રે 10 વાગે ત્રણેયને લોકઅપમાં મૂકી દીધા હતા પછી સવારે 11 વાગે તેઓને બહાર કાઢી કોર્ટમાં લવાયા હતા. સોનીયા ગેંગે ફણસાના તબીબ પાસેથી પડાયેલા રૂ. 1.80 લાખમાંથી આરોપી જગદીશ વૈષ્ણવ, ઇકરામ સૈયદ અને કિન્નર દેસાઇના ભાગમાં રૂ. 80,000 હોવાનું બહાર આવ્યું છે હાલમાં વાપી ટાઉન પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યા બાદ તેઓ પાસેથી ખંડણીના 80 હજાર રૂપિયા પણ રિકવર કરી લીધા છે.