ગરુડેશ્વર: સરકાર દ્વારા એક તરફ હરિયાળા ગામો બનાવવા માટે અનેક કાર્યક્રમો કરી વૃક્ષારોપણ કરાવી રહ્યા છે, ફોરેસ્ટ વિભાગ પણ ગામે ગામ પર્યાવરણ રથ કાઢી લોકોને વૃક્ષો વિતરણ કરી પર્યાવરણ અંગે જાગૃત કરી રહ્યાં છે, ત્યારે બીજી તરફ નર્મદા ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગ્રામ પંચાયત દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા વિના જ વૃક્ષો કાપવાના આદેશથી ગ્રામ જનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

ગ્રામજનોનું કહેવું છે કે, અમારા ગામમાં વર્ષો જૂના લીમડાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, આ વૃક્ષો મહાદેવના મંદિર પરિષદમાં હતા, ત્યાંજ બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે, જેથી અમારી રજૂઆત હતી કે આ વૃક્ષો કાપવામાં ન આવે પરંતુ ગ્રામ પંચાયતે ગ્રામ જનોને વિશ્વાસમાં લીધા વિના જ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.

વધુમાં જણાવ્યું કે, આ વૃક્ષો નીચે ઉનાળા દરમિયાન શાળાના બાળકો બેસતા અને રમતા હોય છે, સાથે જ મંદિરમાં દર્શને આવતા લોકો અને ગામના લોક પણ આ વૃક્ષોના છાંયડે બેસતા હતા, આ વૃક્ષો કપાતા પક્ષીઓનું રહેઠાણ હતું એ પણ છીનવાઈ ગયા છે.