વલસાડ: વલસાડ જિલ્લો તેની કેરીના પાક માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે. વલસાડી હાફૂસથી લઈ કેસર, દશેરી, લંગડા, રાજાપુરી સહિત વિવિધ કેરીઓ સમગ્ર વિશ્વમાં વખાણાય છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર આ વર્ષે જિલ્લામાં સૌપ્રથમ ‘આમ્ર મહોત્સવ 2023’નું તા.27 અને 28 મે ના રોજ તિથલ બીચ ખાતે આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સવારે 11-00 થી રાત્રે 8-00 વાગ્યા સુધી ચાલશે.

બેઠકમાં આમ્ર મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ ૧૦૮ જેટલી વિવિધ જાતની કેરીઓનું ૫૦થી વધુ સ્ટોલ ઉપર પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને અમુક સ્ટોલ ઉપર કેરીને લગતી વિવિધ વાનગી પ્રોડક્ટ, મિલેટ્સની પ્રોડક્ટ, વગેરેનું પણ પ્રદર્શન કરાશે. જેમાં જિલ્લાના ખેતીવાડી અને બાગાયતના ખેડૂતો માટે ૨૦, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે 10, નાબાર્ડ ખેડૂત પ્રોડ્યુસર્સ કંપનીના ૬, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝને 06, જિલ્લા રજીસ્ટ્રારને 05, સખી મંડળોને 05, કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા દ્વારા કેરી પ્રદર્શનના 03, ખાનગી નર્સરીને 03 અને કેરી નિકાસકાર, BIAF, મેડિકલ સારવાર હેતુ, સુરક્ષા હેતુ માટે એક- એક સ્ટોલ બાનાવવામાં આવશે. ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સ્ટોલ વહેચણીની અને કેરીની વિવિધ જાતોના
પ્રદર્શનની કામગીરી કરવા જણાવાયું હતું.

કાર્યક્રમના આયોજન સંદર્ભે તિથલ બીચ ખાતે પ્રદર્શનની જગ્યા સાથે પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે જિલ્લા પોલીસ તંત્ર, સ્થળ ખાતે મંડપ, લાઈટ, સ્ટોલ ધારકો માટે શૌચાલય, રેસ્ટ એરિયા માતે માર્ગ અને મકાન વિભાગને, મેડિકલ ઈમરજન્સીની વ્યવસ્થા માટે આરોગ્ય વિભાગને એમ્બ્યુલન્સ અને બીજી વ્યવસ્થા કરવા, ફાયર સેફ્ટી માટે ફાયર ડિપાર્ટમેન્ટ, પીવાના પાણીની વ્યવસ્થા માટે પાણી પુરવઠા વિભાગ, કચરો એકઠો ના થાય અને સ્વચ્છતા જળવાય તેના માટે ડસ્ટબીનની વ્યવસ્થા કરવા માટે જણાવાયું હતું. તેમજ તિથલ ગ્રામ પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજાન્સી, શહેર અને ગ્રામ્ય મામલતદારો, નગરપાલિકાને તેમના હસ્તકની કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સૌપ્રથમ ‘આમ્ર મહોત્સવ-2023’ ના આયોજનની માહિતી દરેક લોકો સુધી પહોંચે તે માટે હોર્ડિંગ્સ, તેમજ દરેકને સોશિયલ મિડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવા જણાવાયું હતું. તેમજ કાર્યક્રમના એક દિવસ પહેલા મામલતદારે પોલીસ વિભાગ સાથે સંકલન કરી કાર્યક્રમ સ્થળે મુલાકાત લઈ ટ્રાફિક નિયમન વ્યવસ્થાની ચકાસણી કરી લેવી.