વલસાડ: આગામી 7 મે 2023ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લામાંથી સુરત, ભરૂચ, નવસારી, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે વલસાડ એસટી ડિવિઝનના વિવિધ ડેપોથી એક્સ્ટ્રાના ધોરણે પરીક્ષાર્થીઓની માંગણી મુજબ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ ડેપોથી 20, વાપી ડેપોથી 20, ધરમપુર ડેપોથી 10, પારડી કંટ્રોલ પોઈન્ટથી 5, નવસારી ડેપોથી 25, ચીખલી કંટ્રોલ પોઈન્ટથી 5, બિલીમોરા ડેપોથી 10 અને ગણદેવી કંટ્રોલ પોઈન્ટથી 10 મળી કુલ 105 એસટી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે બસોનો લાભ પરીક્ષાર્થીઓ ડેપો/કંટ્રોલ પોઇન્ટ ખાતેથી લઇ શકશે. વધુમાં પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફ્ને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે 24×7 ફરજ ઉપર હાજર રાખવામાં આવનાર છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપમાં આખી બસનું બુકિંગ માંગવામાં આવશે તો તેઓને તેઓના નિયત સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી બસની વિશેષ સુવિધા પુરી પાડવામાં આવનાર છે એવુ વિભાગીય એસટી નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે.