ખેરગામ: આજરોજ ખેરગામમા જનતા હાઇસ્કૂલ પાસે આવેલા બિરસા મુંડા સર્કલ પર આજથી 5 વર્ષ પહેલા મુકવામાં આવેલી બિરસા મુંડાની પ્રતિમાનું કોઈ અજાણ્યા તત્ત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યુ છે એવું જાણવા મળતા આદિવાસી સમાજમાં ઘેરા આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે.

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે Decision News ને જણાવ્યું કે ઇતિહાસકારોના ભેદભાવયુક્ત વલણને લીધે બિરસા મુંડાજીની કદર આટલા વર્ષો સુધી થવી જોઈતી હતી તેવી થઇ શકી નથી.પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં આવેલી વૈચારિક ક્રાંતિ અને જનજાગૃતિને પરિણામે ઇતિહાસની ગર્તામા ખોવાયેલ મહાનુભાવો વિશે આજની પેઢી સારી રીતે જાણી શકે તે માટે બિરસા મુંડાજીની પ્રતિમા સમસ્ત આદિવાસી સમાજના યુવાનો, વડીલો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક થોડા વર્ષો પહેલા હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં સ્થાપવામાં આવી હતી.હાલમાં પણ બિરસા મુંડાજીને માત્ર આદિવાસી સમાજના જ આગેવાન બતાવી એમના ભારત દેશની આઝાદીની ચળવળના અમૂલ્ય યોગદાનને અમુક લોકો હજુપણ ફક્ત આદિવાસી સમાજ પૂરતા સીમિત રાખવા માંગતા હોય એવું લાગી રહ્યું છે.તેવા અસામાજિક તત્વો પૈકીના કેટલાંક આદિવાસી સમાજની વધી રહેલી એકતા સહન નહીં કરી શકતા આ દુષ્ટ કૃત્ય કર્યું હોય એવું અમારું માનવું છે.

આ બાબતે અમે અજાણ્યા ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીઓ શરુ કરી છે.આવા અસામાજિક તત્ત્વોને અમારે જણાવવાનું કે સીધી રીતે પોલિસ સ્ટેશનમાં આવીને પોતાની ભૂલની માફી માંગી લે અન્યથા દેશના ગર્વ સમાન દેશભક્તના અપમાન બદલ ન્યાયાલયમાંથી કડકમાં કડક સજા અપાવીશું.