ખેરગામ: ચૂંટણીના આડે હવે ગણતરીના 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે બધી પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર ભાજપા-કોંગ્રેસ 2 જ પાર્ટીઓનો દબદબો રહ્યો છે. અત્યારસુધી ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એવી પ્રબળ માન્યતા ચાલી આવેલ હતી. પરંતુ આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઝંઝાવાતી પ્રચારે ચૂંટણીનું વાતાવરણ જબરજસ્ત રસપ્રદ બનાવ્યું છે. બધી પાર્ટીઓ વિવિધ સંગઠનો અને આગેવાનોને પોતાની તરફ ખેંચવા કમર કશી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં મોટો ખેલ પાડ્યો છે. સરહદ પર 17 વર્ષો સુધી દેશની સેવા કરનાર અને હાલમાં માજી સૈનિક સંગઠનના દક્ષિણ ગુજરાતના પ્રભારી મુકેશ પટેલ ગણદેવી બેઠકના ઉમેદવાર પંકજ પટેલના હસ્તે વિધિવત રીતે જોડાયા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ મુકેશ પટેલ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વતની છે.અને ભારતીય સેનામાંથી નિવૃત થયાં પછી પણ એમની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ વગર અટક્યે ચાલુ જ રહી છે. પુર હોય કે આગ લાગી હોય કે કોઈનું ઘર તૂટી પડ્યું હોય કે ગામના નાના મોટા ઝગડાં હોય મુકેશ પટેલે દરેક સેવાકીય કાર્યો પોતાના સેવાભાવી સ્વભાવ અને આગવી સૂઝબુઝથી બખુભી નિભાવ્યા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે મુકેશ પટેલે Decision Newsને જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલો છું. અને એના લીધે અનેક લોકો સાથે મારા લાગણીશીલ સંબંધો રહ્યા છે. જે રીતે અમે દેશની સરહદોની દુશ્મનો સામે જીવના જોખમે રક્ષા કરી એવી જ રીતે હવે દેશના લોકોને ભષ્ટાચાર અને મોંઘવારી જેવા દુશ્મનો સામે બચાવવાની અમારી જવાબદારી છે. આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિચારોથી ખાસ્સો પ્રભાવિત થયો છું અને એજ કારણથી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આગામી દિવસોમાં મારું લક્ષ્ય સમાજના છેવાડાને માનવીઓને મફત શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ મળી રહે એ દિશામાં જ રહેશે.