નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ટેન્ટસીટી નં-2 ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 15 અને 16 મી ઓકટોબર 2022 દરમિયાન કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવો ભાગ લીધો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજીજુનું આ કોન્ફરન્સમાં સતત માર્ગદર્શન આપશે અને જરૂરી ચર્ચા કરવામાં આવશે.

કેવડીયા (એકતાનગર) ટેન્ટસીટી-2 ખાતે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવઓની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા અને કોન્ફરન્સને શુભેચ્છાઓ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, દેશની જનતાને સરકારની ગેરહાજરી ન અનુભવવી જોઈએ અને દેશની જનતાએ સરકારનું દબાણ ન અનુભવવું જોઈએ, ભારતીય સમાજની વિકાસયાત્રા હજારો વર્ષની છે, તમામ પડકારો હોવા છતાં ભારતીય સમાજે સતત પ્રગતિ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યોના હાલના કાયદાઓની સમીક્ષા મદદરૂપ સાબિત થઈ શકે છે, આ સમીક્ષાનું કેન્દ્રબિંદુ પણ ‘ઇઝ ઑફ લિવિંગ’ અને ‘ઇઝ ઑફ જસ્ટિસ’ હોવું જોઈએ. આપણા દેશની ન્યાય વ્યવસ્થા માટે બંધારણ જ સર્વોપરી છે. આ બંધારણનાં કૂખેથી જ ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી ત્રણેયનો જન્મ થયો છે. સરકાર હોય, સંસદ હોય, આપણી અદાલતો હોય, આ ત્રણેય એક રીતે એક જ માતા બંધારણ રૂપી માતાનાં સંતાનો છે. તેથી, જુદાં જુદાં કાર્યો હોવા છતાં, જો આપણે બંધારણની ભાવના જોઈએ, તો વાદ-વિવાદ માટે, એકબીજા સાથે સ્પર્ધા માટે કોઈ અવકાશ રહેતો નથી. એક માતાનાં બાળકોની જેમ ત્રણેયે ભારત માતાની સેવા કરવાની હોય છે, ત્રણેયે મળીને 21મી સદીમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. હું આશા રાખું છું કે આ પરિષદમાં જે મંથન થશે તે ચોક્કસપણે દેશ માટે કાનૂની સુધારાઓનું અમૃત બહાર લાવશે.

આ કોન્ફરન્સમાં દેશમાં કોર્ટની કાર્યવાહી ઝડપી બનાવવા સાથે પેન્ડિંગ કેશોનો નિકાલ અને કાયદા અને વ્યવસ્થાઓ માટે કોર્ટ હાઇકોર્ટ સહિત ઉચ્ચ કોર્ટોમાં થતી કામગીરીને લઇને બંધ બારણે ચર્ચા કરવામાં આવશે. જેનો ફાઇનલ રિપોર્ટ પ્રધાન મંત્રીને સોંપવામાં આવશે અને અહીંયા કરાયેલા નિર્ણયો દેશભરમાં પાલન કરવામાં આવશે.