ખેરગામ: રોજિંદા આશરે 20-25 હજાર લોકોની આવજાવ સાથે ખેરગામ-વલસાડ રોડ અતિશય વ્યસ્ત રહેતો હોવા છતાં ધોબીકુવાથી લઈને ગુંદલાવ સુધીનો રોડ ખુબ જ બિસ્માર હાલતમાં હોવાને લીધે અનેક લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ બાબતે વલસાડ જિલ્લા તંત્રને વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહેતા ખેરગામના યુવાનો અને રોજિંદા આવજાવ કરતા લોકો દ્વારા ધોબીકુવા ખાતે રસ્તા પર ઉભા રહી નિષ્ઠુર તંત્રનો વિરોધ કરવામાં આવ્યો. જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

જુઓ વિડીયો..

Decision News સાથે વાતચિત કરતાં ડો. નિરવ પટેલ જણાવે છે કે જયારે મુખ્યમંત્રી સાહેબ અને પાટિલસાહેબ જયારે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ધરમપુર આવ્યા ત્યારે ખુબ જ ટૂંકા ગાળામાં રોડને વ્યવસ્થિત કરી નાખવામાં આવ્યા. જિલ્લા તંત્ર જો નેતાજીઓ માટે 1-2 દિવસમાં રોડ સમારકામ કરી શકતું હોય તો સામાન્ય પ્રજાજનો માટે કેમ નહીં ? વલસાડ અને નવસારી જિલ્લામાં એકસરખો વરસાદ પડેલ હોવા છતાં નવસારી જિલ્લાના રોડ હજુ ઘણી સારી હાલતમાં છે, અને જે થોડા ઘણા ખાડા પડ્યા હતાં તેને નવસારી જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પેચ મારી સમારી દેવામાં આવ્યા તો વલસાડ જિલ્લા તંત્ર દ્વારા કેમ નહીં ? ગઈકાલે જ એક આશાસ્પદ યુવકનું ખાડાવાળા રોડને કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું, થોડા દિવસ પહેલા માતા, પિતા, દીકરીનું ખાડામાં ગાડી પટકાતા પાછળથી આવતી ટ્રકમાં કચડાય જવાથી ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયેલ અને 15 વર્ષીય બાળક નોંધારું બનેલ. આવી કંઈ કેટલીય ઘટનાઓમાં અનેક લોકોને પોતાના કિંમતી જાનમાલનું ભારે નુકસાન સહન કરવાની નોબત આવેલ છે. તો વલસાડ જિલ્લા તંત્ર ક્યાંસુધી સામાન્ય લોકોના જીવ પ્રત્યે આવી રીતે ઘોર બેદરકાર અને ઉદાસીન રહેશે એ મોટો પ્રશ્ન છે ?

બન્ને જગ્યાએ સત્તાધારી પક્ષનું શાસન હોવા છતાં નવસારીના રોડ આટલા સારા અને વલસાડના રોડ આટલા ખરાબ કેમ ? જયારે ગુજરાત રાજ્યના નાણાંમંત્રીશ્રી જો વલસાડથી જ આવતા હોય અને તેઓ પોતાના વતનના જિલ્લાને અન્યાય કરે એ વાત બિલકુલ સત્યથી વેગળી અને માનવામાં આવે એવી નથી. આ હજુ એક ટ્રેલર છે. જો વલસાડ જિલ્લા તંત્ર પોતાની ગાઢ નિંદ્રામાંથી જલ્દી નહીં જાગે તો આવનાર સમયમાં રોજરોજની પરેશાનીથી કંટાળીને મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરશે અને એના લીધે જે કોઈ આંધાધુંધી કે અફરાતફરીનો માહોલ સર્જાશે તેના માટે જવાબદાર માત્રને માત્ર વલસાડ જિલ્લા તંત્ર હશે.