વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પહેલા અને બીજા ધોરણના અભ્યાસ કરતા કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા અભ્યાસમાં ઉપયોગી બને એવા સ્ટેશનરીના સાધનો અને રાશનનું પણ વિતરણ કરાયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના અલગ-અલગ ગામોમાંથી ૧૦૦ થી વધુ જવાનો ભારતીય સેના, સી.આર.પી.એફ, બી.એસ.એફ., સી.આઇ.એસ.એફ., સશસ્ત્ર સીમા બલ, આઇ.ટી.બી.પી., આસામ રાઇફલમાં રહી દેશની સુરક્ષા કરી રહ્યા છે. આ જવાનોના ગ્રુપના માધ્યમથી વાંસદા તાલુકામાં આવેલ અંકલાછ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ૧૦૦ સ્ટેશનરીના સેટનું વિતરણ કરાયું કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનના સેટમાં રબર, સંચો, પેન્સિલ, સ્લેટ, સ્લેટપેન, ચિત્રકામ, કલર, દેશીહિસાબ, નોટબુક વગેરે સ્ટેશનરીનો સમાવેશ કરાયો હતો. જ્યારે સ્કૂલ માટે દિવાલ ઘડિયાળ અને ભારત માતાનો ફોટો અર્પણ કરાયો હતો. સ્વતંત્રતા દિવસ પહેલાં ગ્રુપના જવાનોએ સ્ટેશનરીનું વિતરણ કર્યા બાદ કરંજવેરી ખાતે આવેલ અંધજન આશ્રમ શાળામાં જઈ ચોખા, દાળ, કાંદા, બટાકા અને તેલનું પણ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે સ્ટેશનરી વિતરણ કર્યા બાદ દેશની સુરક્ષામાં તેનાથી અલગ – અલગ ફોર્સ વિશે માહિતગાર કરી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા ફોર્સ વિશેના પ્રશ્નોના જવાબ આપી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલતા હર ઘર ઝંડાનું મહત્વ અને ઝંડા જાળવણી વિશે જાણકારી આપ્યા બાદ વિદ્યાર્થીઓને સલામીની પ્રેક્ટિસ પણ કરાવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર, ગામના સરપંચશ્રી, એસ.એમ.સી સભ્યો, ગ્રામજનો અને આર્મડ ફોર્સ ગ્રુપ માંથી છૂટી માં ઘરે આવેલ જવાનો, બારીયા સતિષભાઈ માર્ગદર્શક તરીકે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આર્મડ ફોર્સ ગ્રુપ દ્વારા વર્ષ – ૨૦૨૧ માં કપરાડા તાલુકાની કેળધા, પાંચવેરા, કોતલગામ અને ધરમપુર તાલુકાની નાની કોસબાડી, અવલખંડી, નાની કોરવળ એમ કુલ આઠ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરાયું હતું.