વલસાડ: માનવ સંશાધન વિકાસ મંત્રાલય, ન્‍યૂ દિલ્‍હી અંતર્ગત ન્‍યૂપા દ્વારા દર વર્ષે શિક્ષણમાં અને વહીવટમાં નવાચાર કરનારા પ્રતિભાશાળી અધિકારીઓને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન એન્‍ડ ગુડ પ્રેક્‍ટીસીસને ચયન કરીને એવોર્ડ આપવામાં આવે છે. તે અંતર્ગત વલસાડ જિલ્લામાં શિક્ષણ ખાતામાં ફરજ બજાવતા બે અધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના શિક્ષણ નિરીક્ષક ડૉ.રાજેશ્રી એલ. ટંડેલને ઉપરોક્‍ત એવોર્ડ આપવામાં આવ્‍યો છે.

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીઆને ૨૦૧૬-૧૯ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નર્મદા તરીકે શિક્ષણ ગુણવત્તા સુધારણા અને વ્‍યવસ્‍થાપન ક્ષેત્રે નવીન આયામો સ્‍થાપી ખૂબ અસરકારક કામગીરી કરી હતી. જેમાં પ્રાથમિક શાળાઓ નિયમિત રીતે, સમયસર કાર્યરત રહે તે સુનિશ્‍ચિત કરવા ‘‘ઈ-પેન મોબાઇલ એપ્‍લિકેશન” તૈયાર કરી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપયોગ કરે અને ઓનલાઇન/ ઓફલાઇન હાજરી પૂરે જેથી શાળાઓ દરરોજ સમયસર ચાલુ થઈ છે અને શિક્ષકો પ્રાથમિક શાળામાં જ હાજર છે તેની ખાતરી રાખવા કરેલા નવીન કાર્યને નેપા-નવી દિલ્‍હી દ્વારા નેશનલ એવોર્ડ મળ્‍યો છે. ગુજરાત રાજ્‍યમાં વર્ષ ૨૦૧૮-૧૯નો શિક્ષણક્ષેત્રે રાષ્‍ટ્રીય એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર અધિકારી છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના શિક્ષણ નિરીક્ષક ડૉ.રાજેશ્રી એલ. ટંડેલને ૨૦૧૯-૨૦ દરમિયાન શિક્ષણ ગુણવત્તા સુધારણા અને વ્‍યવસ્‍થાપન ક્ષેત્રે નવીન આયામો સ્‍થાપી ખૂબ અસરકારક કામગીરી કરી હતી. તે પૈકી ઇન સર્ચ ઓફ લાઈફ ઈનોવેશનમાં વલસાડ જિલ્લાનાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ નાં ૨૦,૭૦૦ વિદ્યાર્થીઓની પી.આર.એસ. સિસ્‍ટમથી મનોવૈજ્ઞાનિક કસોટી લઈ એમનાં રસ-રુચિ, ક્ષમતા અને અભિયોગ્‍યતા ટાઈપ જાણી અને ડેટાનાં આધારે વલસાડ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીકેન્‍દ્રી આયોજન અને વિવિધ નવા પ્રોજેકટ્‍સ કરવામાં આવ્‍યા હતા. આ પ્રોજેકટ્‍સ દ્વારા રસરૂચિ ધરાવતાં ક્ષેત્રમાં ક્ષમતા કેળવવા માટે વ્‍યક્‍તિગત રીતે દરેક વિદ્યાર્થીઓનું તજજ્ઞ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું છે. મનો વૈજ્ઞાનિક ટેસ્‍ટને આધારે ગાણિવિક ક્ષમતા અને ગુજરાતી ભાષાની સમૃધ્‍ધિ માટે વર્ગો, શિક્ષક તાલીમ પ્રોજેક્‍ટ જેવા કે, ઊંચી ઉડાન, પ્રબોધનથી પરીક્ષા સુધી, આદર્શ પ્રશ્‍નબેંક, પ્રશ્ન મંજૂષા, કોશિશ અભિયાનનું આયોજન અને અમલીકરણ, વ્‍યક્‍તિગત માર્ગદર્શન અને શિક્ષણ માટે આગામી આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર ઈનોવેશનને લીધે ૨૦૭૦૦ વિદ્યાર્થી એમનાં શિક્ષકો અને માતા-પિતા વિદ્યાર્થીનાં રસ-રૂચિનાં આધારે ક્ષેત્ર પસંદ કરવામાં આ ઈનોવેશન સહાયરૂપ રહયું હતું. જેથી ડૉ.રાજેશ્રી એલ. ટંડેલ, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડને વર્ષ ૨૦૧૯-૨૦ નો શિક્ષણક્ષેત્રે રાષ્‍ટ્રીય એવોર્ડ આપવામાં આવ્‍યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.

BY અંકેશ યાદવ