નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા તાલુકા પંચાયતના સભ્ય કૂંજલી ડી. પટેલે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને વાજવાડ અને ધોધડકૂવા ગામના તલાટી સંજય ભાઈ ભોયા સામે ગંભીર ફરિયાદ કરી છે. તલાટી દ્વારા વારંવાર વાયદા આપી ગ્રામજનોને પંચાયત કચેરીએ તાપ અને તડકામાં ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કુંજાલી પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, જ્યારે કામ અર્થે તલાટીને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ વિવિધ બહાનાં આપે છે. આજે પણ એક કામ માટે ફોન કરતાં તલાટીએ જવાબ આપ્યો કે “પેટ્રોલનો સ્ટોક નથી અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેથી પંચાયત પર કેવી રીતે આવું?” કુંજાલી પટેલે વધુમાં કહ્યું છે કે, “એક તાલુકા પંચાયત સભ્ય જેવા જનપ્રતિનિધિ સાથે જો આવું ઉધ્ધટ અને ગેરવર્તણૂક થતી હોય તો સામાન્ય ગ્રામજનો સાથે તેઓ કેવું વર્તન કરતા હશે?” આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે, તલાટીની આવી લાપરવાહી અને અસહ્ય વર્તણૂકને કારણે નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા વહીવટી તંત્ર આ ફરિયાદની તપાસ કરીને યોગ્ય પગલાં લેશે કે કેમ તેની સ્થાનિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.











