કપરાડા: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કપરાડા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં આદિવાસી વિધાર્થીઓ- વિધાર્થીનીઓમાં સ્કીલમાં વિકાસ માટે “ગિજુભાઈ બધેકા” લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ “ગિજુભાઈ બધેકા” લાઈફ સ્કીલ મેળામાં અંતર્ગત કુકર બંધ કરવું,ખીલી લગાવવી, ટાયરનું પંચર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુકસાન જેવી જીવન વ્યવહાર ઉપયોગી કૌશલ્યો તેમજ કન્યાઓના શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી શકે તેવી પ્રવૃત્તિઓ જેમ કે..આનંદમેળો, વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોનું વજન – ઊંચાઈ માપવી, વ્યવહારમાં ગણિતના કોયડાઓનો ઉકેલ વગેરે નું આયોજન કર્યું. સરકારશ્રીના covid-19ની ગાઇડલાઈનને ધ્યાનમાં લઈ શાળાની કન્યાઓ તેમજ શિક્ષિકાબહેનોએ બનતી વધુને વધુ પ્રવૃત્તિમાં ભાગ લઈને ઉત્સાહ દાખવ્યો. બિનશેક્ષણિક સ્ટાફનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો.

સવારે ૧૦:૦૦ વાગ્યેથી લઈ સાંજે ૪:૦૦ વાગ્યા સુધી નવી નવી દુકાનમાં ફરવું, તેનો આનંદ લેવું, નવું નવું શીખવું,નવું નવું જાણવાનો આનંદ એમાં સમય ક્યાં પસાર થયો તેની જાણ જ ન થઈ. કન્યાઓ રોજિંદા જીવનના પડકારને ઝીલી શકે, જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરી શકે, શારીરિક – માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાંધી સ્વરછ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતા શીખે, વાસ્તવિક જીવન સાથે અનુબંધ સાંધી શકે, ઉન્નત અને બહેતર જીવન જીવી શકે, નાના મોટા પ્રશ્નો હલ કરી શકે, સ્વાવલંબી બની શકે તેવા વિવિધ હેતુઓને સિદ્ધ કરવા અમારી શાળા કક્ષાએ થી નાનકડો પ્રયાસ છે. અંતે સૌ રાષ્ટ્રગાન કરી છૂટા થયા.