મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં વિમોચન કર્યુ હતું. રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જેલ સબંધિત વાતોને પુસ્તક સ્વરૂપે વધુ સંકલિત કરીને લોકો સમક્ષ મુકાય તો સંશોધનકારો માટે ઉપયોગી થશે તેમજ જેલોના વાતાવરણ, જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોપયોગી બનાવવામાં નવી દિશા મળશે.

નોંધપાત્ર છે કે કોરોના મહામારી દરમ્યાન કેદીઓમાં કોરોના પ્રિવેન્શન, માસ્ક-સેનિટાઇઝરના સ્વયં ઉત્પાદનથી આત્મનિર્ભરતા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા અંગેનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ દેશમાં એકમાત્ર ગુજરાતને મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સ્કોચ એવોર્ડ સર્ટીફિકેટ પણ આ અવસરે ડૉ. કે. એલ. એન.રાવને અર્પણ કર્યું હતું.