ફોટોગ્રાફ્સ દિવ્યભાસ્કર

નસવાડી તાલુકાનું કુકરદા ગામ આજે પણ મૂળ ભૂત સુવિધાઓથી વંચિત જે ગામમાં સૌથી વધુ ફળીયા આવેલ છે. કુકરદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક વર્ષોથી છે. પરંતુ આ વિસ્તારના પેટા ફળીયા સુધી પાકા રસ્તા આજે પણ બન્યા નથી. વર્ષે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાં આવે છે. પરંતુ આજે પણ આ ગામની મુલાકત લેવાય તો મોટા ભાગના ફળીયામા આરસીસી પાકો રસ્તો નથી. વર્ષોથી મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનોની સુવિધા માટે ગયા વર્ષે નસવાડી તાલુકા પંચાયતમાંથી મનરેગા યોજના હેઠળ સાઈટ માંથી માટી ખોડકામ કરી અને મેટલના રસ્તા બનાવાયા છે. જે ચોમાસામા ભારે વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયું છે.

મનરેગા યોજના હેઠળ બનેલ રસ્તા એટલી હદે ધોવાયા છે કે ગ્રામજનો હવે બાઈક પણ રોડ વચ્ચે પડેલ ઊંડા ખાડામા ચલાવવા મજબૂર બન્યા છે. આંબાબાર ફળીયાથી અન્ય ફળીયા તરફ જતા અંદાજિત એક કિલોમીટરના માટી મેટલના રોડનું ધોવાણ થયું છે. સ્પષ્ટ જોઈ શકીએ છે કે બાઈક લઇ જવામાં મુશ્કેલી પડતી હોઈ તો ઇમરજન્સી આરોગ્ય સુવિધા ૧૦૮ અને અન્ય મોટા વાહનો લઇજવા તો કલ્પનાની બહાર છે ત્યારે તાલુકાનું વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત તત્કાલ સ્થળની મુલાકત કરી ગામમાં ધોવાણ થયેલા રસ્તો પાકો બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. હવે જોવાનું એ રહ્યું કે નસવાડી તાલુકા વહીવટીતંત્ર મુલાકાત લઇ ગ્રામજનોની માગનું નિરાકરણ કે નહિ..!