વાંસદા: રાજ્ય સરકારે શાળાઓ ખોલી તેનો પ્રારંભ તો કરાવી દીધો છે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી ધોરણ 9 થી 12 ના 14 પુસ્તકો તો ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના એક પણ પાઠયપુસ્તકો હજી ગુજરાતભરની શાળાઓમાં પહોંચ્યા જ નથી જેને લઇને વિદ્યાર્થીઓના અભ્યાસને લઇને શિક્ષકો અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

Decision Newsએ પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે નવસારીમાં 210 શાળાના ઓનલાઈન અને ઓફલાઇન શરૂ વર્ગોમાં લગભગ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જો કે ખાનગી શાળાઓમાં છાત્રો પુસ્તકો ખરીદીને લાવતા હોય તેમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ઉભી થઇ નથી પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓના છાત્રોને અભ્યાસમાં તકલીફ પડશે એ નક્કી છે. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દવારા દર વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે પુસ્તકોના વિતરણ થઇ શક્યું નથી.

નામ ન આપવાનું કહી એક શિક્ષકે Decision Newsને જણાવ્યું કે હાલમાં ધોરણ 9માં 2 પુસ્તક, ધોરણ-10માં ચાર પુસ્તક, ધોરણ-11 કોમર્સમાં 3 અને ધોરણ-12માં 5 પુસ્તકો તથા વિજ્ઞાન પ્રવાહ ધોરણ-11 અને 12ના પાઠ્યપુસ્તકો શાળા ઓનલાઇન અને હવે ઓફલાઇન શરૂ થઈ ગઈ હોવા છતાં ન આવ્યાંના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી ઉભી થવાની ૯૦ ટકા સંભાવના દેખાય રહી છે. જેના કારણે નવસારી જિલ્લામાં ધો-11 અને 12 સહિતના પુસ્તકો સરકાર દ્વારા ઝડપથી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.