ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી. જેના કારણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિતના સ્ટાર્સ દ્વારા કરવામાં આવેલી ટ્વિટની તપાસ કરવામાં આવશે.

આ ટ્વિટ્સ બાદ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે, રિહાનાના ટ્વિટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ સહિતના સ્ટાર્સે જે ટ્વિટ કર્યું હતું તેમાં કેટલાક શબ્દો કોમન છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ અનિલ દેશમુખને કહ્યું હતું કે, સુનીલ શેટ્ટીએ તો પોતાના ટ્વિટમાં મુંબઇ ભાજપના નેતા હિતેશ જૈનને પણ ટેગ કર્યા હતા. સાયના નહેવાલ અને અક્ષય કુમારનું ટ્વિટ બિલકુલ સરખું છે. આ બધી ટ્વિટ્સ જોઇને લાગે છે કે, ભાજપ સરકારના દબાણમાં આ સ્ટાર્સે ટ્વિટ કર્યા હશે. મહારાષ્ટ્ર સરકાર આ સંદર્ભે તપાસ કરે તેવી માંગ ઉઠી હતી.

ત્યાર બાદ અનિલ દેશમુખે કહ્યું કે, રિહાનાના ટ્વિટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિત અન્ય સ્ટાર્સે જે ટ્વિટ કર્યા છે, તેની પેટર્ન છે, કેટલાક શબ્દો કોમન છે. ખાસ કરીને સાયના અને અક્ષયનું ટ્વિટ સરખું છે. આ બધી ટ્વિટનું ટાઇમિંગ પણ સવાલ ઉભા કરે છે. આથી આની તપાસ કરવામાં આવશે. રાજ્ય ઇન્ટલિજન્સ વિભાગ આની તપાસ કરશે.