નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા વિરોધ વધ્યો, સાંસદ મનસુખ વસાવા સહિત કોંગ્રેસ-BTPએ વિરોધ કરતા આખરે સરકારે ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીઓ રદ કરતા વિવાદ થમશે એવું માનવામાં આવી રહ્યુ હતું પરંતુ હાલમાં BTP સરકાર પર એવો આક્ષેપ લગાવી રહી છે કે ચુંટણી આવે છે એટલે હાલ પૂરતી એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પુરી થશે એટલે ફરી એન્ટ્રીઓ પાડવાની સરકાર ચાલુ કરશે.

આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. અને આ મુદ્દે રાજીનામુ પણ ધરી દીધું હતું ત્યારે ફરી કેન્દ્રના બજેટ સત્રમાં ઇકો સેન્સેટિવ ઝોન કાયમી રદ કરવાની વાત મુક્ત વિરોધી પાર્ટીઓ પાસેથી ચૂંટણીમાં મહત્વનો મુદ્દો આંચકી લીધો છે. લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે 2 ફેબ્રુઆરી 21ના રોજ બજેટ સત્રમાં લોકસભાના નિયમ 377 હેઠળ લોકસભામાં નર્મદા જિલ્લાના કુલ 121 ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે એવી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ માંગણી કરી છે.

મનસુખ વસાવાએ સંસદમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના 121 ગામોના ખેડૂતોની માલિકીની જમીનમા સરકારી અધિકારીઓએ દખલગીરી કરવાની ચાલુ કરી દીધી છે. જેથી આદિવાસીઓની આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે સાથે સાથે એમની આજીવિકામાં નુકશાન થવાની સંભાવનાઓ છે. આદિવાસીઓની એવી ઈચ્છા છે કે આદિવાસીઓની જંગલ અને જમીન સાથે છેડછાડ કર્યા વગર દેશનો વિકાસ થાય, સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આદીવાસી વિસ્તારમાં શાંતિ અને વિકાસ માટે 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોન માંથી તાત્કાલિક મુક્ત કરવું હવે જરૂરી છે.