નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા. આ ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે દુર્ઘટનામાં દોઢ વર્ષનાં બાળક સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યાં હતા. જેમાં 3 બાળક, એક યુવાન, 1 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 18ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે પૈકી 3 લોકો ગંભીર હોવાની માહિતી મળી રહી છે. હાલ સારવાર માટે ખસેડાયેલા લોકોની સ્થિતી સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં આવેલા સોલધરાના ઇકો પોઇન્ટમાં શનિ-રવિની રજામાં ખુબ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. દક્ષિણ ગુજરાતમાં આ પર્યટન સ્થળ ખુબ જ પ્રસિદ્ધ છે. ગુજરાતના આકર્ષણના કેન્દ્ર સમા ઇકો પોઇન્ટમાં દુર્લભ પક્ષીઓ પ્રાણીઓ જોવા મળે છે. આજે રવિવારે અનેક સહેલાણીઓ અહીં આવ્યા હતા. સાંજના સમયે કૃત્રિમ તળાવમાં બોટિંગ સમયે એક બોટ પલટી ગઇ હતી. જેમાં 23 જેટલા પ્રવાસીઓ બેઠા હતા.
બોટ પલટી હોવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને ફાયરનો કાફલો આવી પહોંચ્યો હતો. અકસ્માતનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. અને સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે.